News of Friday, 6th March 2026
વ્યારાના મુસા ગામે દીપડો પાંજરે પુરાયો
ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસઃપાંજરામાં પુરાયેલો દીપડો અંદાજે ૪થી ૫ વર્ષનો નર દીપડો હોવાનું વન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે

વ્યારા : તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા ગામે છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપેલો હતો. જોકે, વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં રાત્રિ દરમિયાન એક કદાવર દીપડો કેદ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
મુસા ગામમાં દીપડાના વારંવાર જોવા મળતા હોવાથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગની ટીમે ગામમાં પાંજરું ગોઠવ્યું હતું. આ પાંજરામાં મૂકવામાં આવેલા મારણની લાલચમાં રાત્રિના સમયે એક દીપડો આવી ચડ્યો હતો અને પાંજરામાં પગ મૂકતા જ દરવાજો બંધ થઈ ગયો હતો.
પાંજરામાં પુરાયેલો દીપડો અંદાજે ૪થી ૫ વર્ષનો નર દીપડો હોવાનું વન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દીપડાના કારણે તેઓ રાત્રિના સમયે ખેતરમાં જવા કે બહાર નીકળતા પણ ડરતા હતા. દીપડો પાંજરે પુરાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. વન વિભાગ દ્વારા આ દીપડાને સુરક્ષિત રીતે પકડીને તેને માનવ વસ્તીથી દૂર ઊંડા જંગલ વિસ્તારમાં છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
