News of Saturday, 7th March 2026
કુપોષણ સામે લડવા સચિવ રાકેશ શંકરનો માસ્ટર પ્લાન: ₹24 કરોડના ખર્ચે હાઈટેક AI મોનિટરિંગ સેન્ટર સ્થપાશે
વહીવટી ગેરરીતિઓ રોકવા અને પોષણક્ષમ આહારના વિતરણમાં પારદર્શિતા લાવવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય; ટેક-હોમ રાશન માટે હવે QR કોડ આધારિત ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ અમલમાં આવશે

ગાંધીનગર: રાજ્યમાં કુપોષણની સમસ્યા અને મહિલા તેમજ બાળ વિકાસ વિભાગના વહીવટમાં જોવા મળતી અનિયમિતતાઓની વ્યાપક ફરિયાદો બાદ, સરકાર હવે ટેકનોલોજીના માધ્યમથી આ દૂષણને ડામવા માટે સજ્જ થઈ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરના નેતૃત્વમાં એક નવીન યોજના તૈયાર કરવામાં આવી છે, જે અંતર્ગત ₹24 કરોડના અંદાજિત ખર્ચે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત 'સ્પેશિયલ મોનિટરિંગ સેન્ટર'ની સ્થાપના કરવામાં આવશે.
આ અત્યાધુનિક સેન્ટર દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવામાં આવતા પૌષ્ટિક આહારની ગુણવત્તા તેમજ તેમના સ્વાસ્થ્ય તપાસની રીઅલ-ટાઇમ દેખરેખ રાખવામાં આવશે. આ કેન્દ્રમાં ઉપલબ્ધ થનારા ચોક્કસ ડેટાને આધારે વિભાગ ભવિષ્યમાં કુપોષણ મુક્ત અભિયાન માટે વધુ અસરકારક અને સચોટ આયોજન કરી શકશે. અત્યાર સુધી ડેટાના અભાવે જે આયોજનમાં મુશ્કેલીઓ પડતી હતી, તેનું નિરાકરણ આ ડિજિટલ પહેલથી આવશે.
સચિવ રાકેશ શંકરે આ નવી જવાબદારી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ આપવામાં આવતા 'ટેક-હોમ રાશન' (THR) ના વિતરણને વધુ પારદર્શક બનાવવા માટે QR કોડ આધારિત પાઇલટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ નવીનતમ ડિજિટલ સિસ્ટમની મદદથી, રાજ્ય કક્ષાએથી લઈને છેક આંગણવાડી કેન્દ્રો સુધી પહોંચતા રાશનના જથ્થાનું અને તેના પરિવહનનું સચોટ ટ્રેકિંગ શક્ય બનશે.
આ ડિજિટલ મોનિટરિંગને કારણે રાશનના જથ્થામાં થતી ગેરરીતિઓ અને વહીવટી શિથિલતા પર સીધી લગામ લાગશે. કુપોષણ ઘટાડવા માટે સરકાર જે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તે ખરેખર જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચે અને તેમને મળતા આહારની ગુણવત્તા જળવાય તે સુનિશ્ચિત કરવા માટે આ પ્રોજેક્ટ એક ગેમ-ચેન્જર સાબિત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
