તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
અમદાવાદ એ.સી.બી.નો નિકોલમાં સપાટો: ટેક્ષ વેલ્યુએશન વિભાગના જુનિયર ક્લાર્ક જીતેન્દ્રભાઈ પ્રજાપતિ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
નાયબ નિયામક શ્રીમતી ભારતી પંડ્યા અને મદદનીશ નિયામક વી.બી.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એન.બી. સોલંકીની ટીમે છટકું ગોઠવ્યું; ઇન્ડસ્ટ્રીયલ શેડની આકારણીમાં ભાડુઆતનું નામ ન ચડાવવા રૂ. ૧૧,૦૦૦ની લાંચ માંગનાર ક્લાર્ક જેલભેગો

અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારના મૂળિયાં કેટલા ઊંડા છે તેનો વધુ એક પુરાવો આજે સામે આવ્યો છે. અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો (A.C.B.) એ નવરંગપુરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્ષ વેલ્યુએશન વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-૩ ના જુનિયર ક્લાર્ક જીતેન્દ્રભાઈ હરીભાઈ પ્રજાપતિને રૂ. ૬,૦૦૦ ની લાંચ લેતા નિકોલ વિસ્તારમાંથી પકડી પાડ્યા છે.
સમગ્ર ઘટનાની વિગત
આ કેસની વિગત મુજબ, ફરિયાદ કરનાર જાગૃત નાગરિક નિકોલ વિસ્તારમાં એસ.પી. રીંગ રોડ પર કલ્પ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બે શેડ ધરાવે છે. આ શેડની આકારણીમાં ભાડુઆતનું નામ ન ચડાવવા માટે આરોપી જુનિયર ક્લાર્ક જીતેન્દ્રભાઈ પ્રજાપતિએ અગાઉ રૂ. ૩૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે રૂ. ૧૧,૦૦૦ આપવાનું નક્કી થયું હતું. આ પેટે ગઇકાલે તારીખ ૦૬.૦૩.૨૦૨૬ ના રોજ ફરિયાદીએ રૂ. ૫,૦૦૦ આરોપીને આપી દીધા હતા અને બાકીના રૂ. ૬,૦૦૦ આજે આપવાના હતા.
એ.સી.બી.નું છટકું અને ધરપકડ
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. (વહિવટ) ના નાયબ નિયામક શ્રીમતી ભારતી પંડ્યા અને મદદનીશ નિયામક વી.બી.પટેલના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. સોલંકી અને તેમની ટીમે નિકોલ ખાતે કલ્પ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડ નંબર-૧૯ પાસે છટકું ગોઠવ્યું હતું.
આજે જ્યારે આરોપી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ ફરિયાદી પાસેથી બાકી નીકળતા રૂ. ૬,૦૦૦ ની લાંચ સ્વીકારવા આવ્યા, ત્યારે એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. એ.સી.બી. એ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તંત્રમાં મચેલો ફફડાટ
કોર્પોરેશનના ક્લાર્કની ધરપકડ થતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્ષ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. એ.સી.બી. ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ ઝુંબેશ આગામી સમયમાં વધુ તેજ કરવામાં આવશે. આ સફળ ટ્રેપમાં પી.આઈ. એન.બી. સોલંકી અને ફિલ્ડ-૨ નો સ્ટાફ જોડાયો હતો.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
