તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Saturday, 7th March 2026
નવસારીની દીકરીની 'મધમીઠી' સફળતા: ખેડૂત પરિવારની મહિલાએ ઘરે શરૂ કર્યો મધનો વ્યવસાય, આજે વાર્ષિક ₹10 લાખથી વધુની કમાણી કરી બની 'લખપતિ દીદી'
સોલધરા ગામના અસ્મિતાબેન પટેલે શૂન્યમાંથી સર્જ્યું 'સહ્યાદ્રી સખી મંડળ'નું સામ્રાજ્ય; પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી અન્ય 10 મહિલાઓને પણ આપી રોજગારી

નવસારી : "સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ છે" - આ ઉક્તિને નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના સોલધરા ગામના અસ્મિતાબેન અશોકભાઈ પટેલે સાર્થક કરી બતાવી છે. આવતીકાલે જ્યારે વિશ્વ 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અસ્મિતાબેનની આત્મનિર્ભરતાની સફર હજારો ગ્રામીણ મહિલાઓ માટે દીવાદાંડી સમાન બની છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અસ્મિતાબેન આજે વાર્ષિક ₹10.20 લાખની આવક મેળવી 'લખપતિ દીદી' તરીકે ઉભરી આવ્યા છે.
સંઘર્ષમાંથી જન્મી સફળતા
અસ્મિતાબેનના જીવનમાં અનેક વળાંકો આવ્યા. પિતાના અવસાન બાદ આર્થિક ભીંસ વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો અને લગ્ન પછી BA ની ડિગ્રી મેળવી. ખેતીની મર્યાદિત આવકમાં ઘર ચલાવવું મુશ્કેલ હતું, ત્યારે વર્ષ 2010-11માં તેમણે મધ-ઉછેર (Beekeeping) નો કોર્સ કર્યો. ઘરે જ મધનું ઉત્પાદન શરૂ કરી તેને બજારમાં વેચવાનું સાહસ ખેડ્યું. આ નાનકડા મધના ટીપાંએ જ તેમના જીવનમાં સફળતાની મીઠાશ ભેળવી દીધી.
સહ્યાદ્રી સખી મંડળ: એકતાની શક્તિ
વર્ષ 2015માં તેમણે ગામની અન્ય 10 મહિલાઓને સાથે રાખી ‘સહ્યાદ્રી સખી મંડળ’ની સ્થાપના કરી. મિશન મંગલમ યોજના હેઠળ મળેલા ફંડમાંથી તેમણે માત્ર મધ જ નહીં, પરંતુ નાગલીના પાપડ, બિસ્કિટ, અથાણાં અને હળદર પ્રોસેસિંગ જેવા અનેક ગૃહ ઉદ્યોગો શરૂ કર્યા. આજે તેમની સાથે જોડાયેલી 10 મહિલાઓ ઘરે બેઠા સન્માનજનક રોજગારી મેળવી રહી છે. અસ્મિતાબેનના આ મોડેલને જોઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા છે અને તેમને ત્રણ વખત પીએમ સાથે મુલાકાત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
રાષ્ટ્રીય સ્તરે ગુંજ્યું નામ
અસ્મિતાબેનની મહેનતને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી છે. તેમને ગુજરાત સરકાર તરફથી 'કૃષિ રત્ન પુરસ્કાર' અને જિલ્લા કક્ષાએ 'આત્મા એવોર્ડ' પ્રાપ્ત થયો છે. આગામી એપ્રિલ 2026માં સુરત ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)માં પણ અસ્મિતાબેન જેવા મહિલા ઉદ્યોગકારોના પ્રદાનને ખાસ સ્થાન આપવામાં આવશે, જે દક્ષિણ ગુજરાતની મહિલાઓ માટે ગૌરવની વાત છે.
અસ્મિતાબેન ગર્વથી કહે છે કે, "જેમ મજબૂત વૃક્ષની ડાળીઓ ફેલાય છે તેમ અમારું જૂથ પણ આજે આત્મનિર્ભર બનીને સમાજમાં પરિવર્તન લાવી રહ્યું છે." તેમની આ સફર સાબિત કરે છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો ગામડાની માટીમાં પણ સફળતાનું સુવર્ણ ઉગાડી શકાય છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
