News of Saturday, 7th March 2026
આણંદ પોલીસનો 'સ્ટ્રાઈક રેટ' 100%: સગીરા પરના અત્યાચારના 7 કેસોમાં તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા, વધુ બે નરાધમોને આજીવન કેદ
PI ડી.આર. ચૌધરી અને તેમની ટીમનું 'ટોપ ટુ બોટમ' ઇન્વેસ્ટિગેશન લાવ્યું રંગ; માત્ર 8 મહિનામાં ન્યાય અપાવી ગુજરાત પોલીસે રચ્યો ઇતિહાસ, હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન

આણંદ: ગુજરાત સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ અને આણંદ પોલીસની કર્તવ્યનિષ્ઠાએ આજે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આણંદ જિલ્લામાં પોક્સો (POCSO) ના ગુનાઓમાં સંડોવાયેલા વધુ બે આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સૌથી ગૌરવની વાત એ છે કે, આ કેસોની તપાસ કરનાર પોલીસ ટીમે સતત 7 કેસોમાં 100% સજા અપાવવાનો અભૂતપૂર્વ રેકોર્ડ નોંધાવ્યો છે.
ઝડપી તપાસ અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય
તત્કાલીન CPI (પેટલાદ) અને હાલ બોરસદમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી તથા તેમની ટીમે માર્ચથી ડિસેમ્બર 2024 દરમિયાન નોંધાયેલા ગંભીર ગુનાઓમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ હાથ ધરી હતી.
• ઝડપી ચાર્જશીટ: તમામ 7 કેસોમાં ગુનો નોંધાયાના માત્ર 45 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી.
• 'ઇ-સાક્ષ્ય'નો ઉપયોગ: પુરાવાઓ મજબૂત કરવા માટે 'ઇ-સાક્ષ્ય' એપ્લિકેશન દ્વારા પંચનામા અને નિવેદનોનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.
• વૈજ્ઞાનિક પુરાવા: FSL અને ક્રાઈમ સીન મેનેજરની મદદથી એવા સચોટ પુરાવા એકત્ર કરાયા કે આરોપીઓ બચી ન શક્યા.
દીકરીઓની સુરક્ષાનો અતૂટ વિશ્વાસ
સામાન્ય રીતે કોર્ટ કેસો વર્ષો સુધી ચાલતા હોય છે, પરંતુ આણંદ પોલીસની સજ્જતાને કારણે માત્ર 8 થી 9 મહિનાના ટૂંકા ગાળામાં જ ચુકાદાઓ આવી ગયા છે. આ 7 કેસો પૈકી 6 કેસોમાં આરોપીઓને 20 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની કડક સજા થઈ છે. આ કામગીરી રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારોમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત કરનારી સાબિત થઈ છે.
ગૃહમંત્રીએ થાબડી પીઠ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ PI ડી.આર. ચૌધરી અને આણંદ પોલીસ વડા જી.જી. જસાણીની ટીમને સોશિયલ મીડિયાના માધ્યમથી હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "ગુજરાત પોલીસની આ સંવેદનશીલતા ગુનેગારોમાં ફફડાટ ફેલાવશે અને પીડિતોને ન્યાય અપાવશે."
આણંદ પોલીસની આ કામગીરી અન્ય જિલ્લાઓ માટે પણ એક આદર્શ ઉદાહરણ બની રહેશે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
