<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

દુબઈના આલીશાન શહેરમાં 'મોત'નો માતમ: અમદાવાદનો પરિવાર મિસાઈલ હુમલા વચ્ચે ફસાયો, ભોજન અને દવા ખૂટતા ૧૩ સભ્યોની હાલત અત્યંત કફોડી

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની આગમાં હોમાયા ગુજરાતી પ્રવાસીઓ; હોટલ સંચાલકોની ઉઘાડી લૂંટ અને લાખોના વિમાન ભાડા વચ્ચે ભારત સરકાર પાસે લગાવી મદદની પોકાર

અમદાવાદ: વિદેશ પ્રવાસનો આનંદ જ્યારે યુદ્ધની ભયાનકતામાં ફેરવાઈ જાય ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે, તેનો જીવંત અને કરુણ અનુભવ અમદાવાદના સોલા વિસ્તારનો એક પરિવાર કરી રહ્યો છે. અમદાવાદના પ્રકાશભાઈ પ્રજાપતિ અને તેમના પરિવારના ૧૩ સભ્યો હાલ દુબઈમાં ફસાયા છે. અબુ ધાબીમાં તેમની નજર સામે થયેલા મિસાઈલ હુમલા અને ત્યારબાદ ફ્લાઇટ્સ રદ થવાને કારણે આખો પરિવાર વતન પરત આવવા માટે વલખાં મારી રહ્યો છે.
નજર સામે મિસાઈલોનો વરસાદ
પ્રકાશભાઈએ ભયાનક અનુભવ વર્ણવતા જણાવ્યું કે, ૨૮ ફેબ્રુઆરીના રોજ જ્યારે તેઓ અબુ ધાબીમાં હતા ત્યારે ઈરાન દ્વારા અમેરિકન એમ્બેસી નજીક હુમલો કરવામાં આવ્યો હતો. "અમે મિસાઈલ ફૂટવાનો કાન ફાડી નાખે તેવો અવાજ સાંભળ્યો હતો. જોકે ત્યાંની ડિફેન્સ સિસ્ટમે મિસાઈલો હવામાં જ તોડી પાડી હતી, પરંતુ તેનો કાટમાળ પડતો જોઈને અમે ફફડી ઉઠ્યા હતા. ત્યારબાદ ફોનમાં સતત આવતા રેડ એલર્ટના અવાજોએ અમારી ઊંઘ હરામ કરી દીધી છે."
દવા અને ભોજનના ફાંફા
આ ગ્રુપમાં ૧૧ જેટલા સિનિયર સિટીઝન અને બે બાળકો છે. પરિવાર બ્રહ્માકુમારીસ સંસ્થા સાથે જોડાયેલો હોવાથી તેઓ બહારનું જમતા નથી અને સાથે કરિયાણું લઈ ગયા હતા, જે હવે ખાલી થઈ ગયું છે. સૌથી મોટી ચિંતા વૃદ્ધોની છે, જેઓ પોતાની સાથે માત્ર ૭ દિવસની ડાયાબિટીસ અને બીપીની દવા લાવ્યા હતા. હવે દવાઓ ખૂટી પડતા તેમની તબિયત લથડી રહી છે અને જીવનું જોખમ ઊભું થયું છે.
લૂંટફાટ અને મોંઘા ભાડાનો માર
મુસીબતના સમયે માનવતા બતાવવાને બદલે દુબઈની હોટલના સંચાલકોએ પરિવાર પાસે એડવાન્સ પૈસાની ઉઘાડી લૂંટ શરૂ કરી છે. બીજી તરફ, પ્રાઈવેટ ફ્લાઇટ્સના ભાડા વ્યક્તિદીઠ ૧ લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે, જે મધ્યમ વર્ગીય પરિવાર માટે અશક્ય છે. ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.
વતન વાપસીની આશ
પરિવારના અન્ય સભ્ય વિનોદભાઈ પ્રજાપતિએ ભારત સરકારને કરગરતા અપીલ કરી છે કે, "અમારા પરિવારજનોની સ્થિતિ ખૂબ ખરાબ છે, પ્લીઝ પ્લેન મોકલીને તેમને સુરક્ષિત રીતે ઇન્ડિયા પરત લાવો." હાલમાં એર અરેબિયાએ તેમની ટિકિટ ૭ માર્ચ (આજ) માટે રીશિડ્યુલ કરી આપી છે, પરંતુ અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે.

(7:57 PM IST)