News of Saturday, 7th March 2026
સુરતના લિંબાયતમાં પ્રેમ પ્રકરણનો લોહિયાળ અંજામ: "મારી પ્રેમિકાને ડિવોર્સ કેમ નથી આપતો?" કહી મિત્રએ પતિ પર ઝીંક્યા ચપ્પુના ઘા
પતિ-પત્નીના પારિવારિક ઝઘડામાં પત્નીના કથિત પ્રેમીની એન્ટ્રીથી મામલો બિચક્યો; ધોળા દિવસે ભરી બજારમાં જીવલેણ હુમલો કરી આરોપી ફરાર થતા લિંબાયત પોલીસ દોડતી થઈ

સુરત:સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પતિ-પત્ની અને પત્નીના મિત્ર વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં લોહિયાળ ડ્રામા સર્જાયો છે. શહેરના મજૂરી કામ કરતા અમોલ પાટીલ નામના યુવક પર તેની જ પત્નીના મિત્ર સતીલાલ ઉર્ફે બુમલાએ છરી વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત એવી છે કે અમોલ અને તેની પત્ની મમતા વચ્ચે છેલ્લા સાત મહિનાથી અણબનાવ ચાલતો હતો અને મમતા પિયર રહેતી હતી. ગત 4 માર્ચના રોજ જ્યારે અમોલ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની પત્નીએ તેને રોકી ડિવોર્સ બાબતે તકરાર શરૂ કરી હતી, જેમાં અચાનક પત્નીના મિત્રએ એન્ટ્રી કરી લોહીની નદીઓ વહાવી દીધી હતી.
ઝઘડા દરમિયાન પત્નીનો મિત્ર સતીલાલ ઉશ્કેરાઈ ગયો હતો અને "તું મમતાને ડિવોર્સ કેમ નથી આપતો?" તેમ કહી અમોલ સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. અમોલે જ્યારે તેને પતિ-પત્નીના અંગત મામલામાં દખલ ન દેવા જણાવ્યું, ત્યારે ઉશ્કેરાયેલા સતીલાલે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી અમોલ પર તૂટી પડ્યો હતો. ધોળા દિવસે થયેલા આ હુમલામાં અમોલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસના લોકો બચાવવા દોડી આવતા હુમલાખોર સતીલાલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા અમોલને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત અત્યારે સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાને પગલે લિંબાયત પોલીસે ગુનો નોંધી આરોપી સતીલાલ ઉર્ફે બુમલાની શોધખોળ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પત્ની અને હુમલાખોર વચ્ચેના સંબંધોને કારણે જ આ વિવાદ વકર્યો હતો. પોલીસે અમોલની ફરિયાદના આધારે હુમલાખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કિસ્સાએ સુરતમાં વધતા જતા ગુનાખોરીના ગ્રાફ અને અંગત અદાવતમાં થતા હુમલાઓને લઈને સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
