News of Sunday, 8th March 2026
બીલીમોરામાં કાર ચડાવી યુવકની નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી લેવાયો
આરોપીને નવસારી એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો

નવસારી જિલ્લાના બીલીમોરા નજીક બનેલી સનસનાટીભરી હત્યાની ઘટનામાં પોલીસ પ્રશાસને અત્યંત ઝડપી કાર્યવાહી કરી છે. કાર ચડાવીને યુવકની નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને નવસારી એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આરોપી કૃપલ પટેલે બીલીમોરા પંથકમાં કાર ચડાવીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. નવસારી પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને અલગ-અલગ ટીમો બનાવી હતી, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે 24 કલાક પૂરા થાય તે પહેલા જ હત્યારા આરોપી કૃપલ પટેલને દબોચી લીધો હતો. પોલીસે હત્યામાં હથિયાર તરીકે ઉપયોગમાં લેવાયેલી કાર (વાહન) પણ શોધી કાઢીને કાયદેસર રીતે જપ્ત કરી છે.
આરોપી કૃપલ પટેલની ધરપકડ બાદ હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે આ હત્યા પાછળનું મુખ્ય કારણ શું હતું. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત કે કોઈ અંગત વિવાદ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. એલસીબીની આ ત્વરિત કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં બીલીમોરા પોલીસે આરોપીનો કબજો મેળવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
