<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

અમદાવાદના સ્પીપા ખાતે 'અટલ વ્યાખ્યાનમાળા' અંતર્ગત 'વિકસિત ભારત'ના વિઝન પર પ્રેરણાદાયી મંથન: ટેકનોલોજી અને સુશાસન દ્વારા અંત્યોદયનું લક્ષ્ય

મુખ્ય વક્તા અમિતાભ રંજને ૨૦૪૭ સુધીમાં ભારતને સમર્થ રાષ્ટ્ર બનાવવા યુવાનોને 'જોબ ક્રિએટર' બનવા આહવાન કર્યું; ડિજિટલ ક્રાંતિ, AI અને મિશન કર્મયોગી જેવા વિષયો પર રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં માર્ગદર્શન અપાયું

અમદાવાદ: અમદાવાદ સ્થિત સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) ખાતે સામાન્ય વહીવટ વિભાગ (ARTD) દ્વારા 'અટલ વ્યાખ્યાનમાળા' ના છઠ્ઠા સંસ્કરણનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA), નવી દિલ્હીના રજિસ્ટ્રાર અમિતાભ રંજને "વિકસિત ભારત: સ્વપ્નથી હકીકત સુધીની સફર" વિષય પર વિશેષ વ્યાખ્યાન આપી ઉપસ્થિત સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સ્વદેશી જ્ઞાન અને માનવ સંસાધન પર ભાર:
અમિતાભ રંજને જણાવ્યું કે ભારત પ્રાચીન સમયથી જ્ઞાન અને વિજ્ઞાનનો વૈશ્વિક સ્ત્રોત રહ્યું છે. તેમણે 'વિકસિત ભારત'ના નિર્માણ માટે સંસ્થાનવાદી માનસિકતાનો ત્યાગ કરી સ્વદેશી જ્ઞાન પરંપરા પર ગર્વ કરવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રના પાયામાં માનવ સંસાધન વિકાસને મહત્વનું ગણાવતા તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP), સર્વ શિક્ષા અભિયાન અને પીએમ પોષણ યોજના જેવી પહેલોની સરાહના કરી હતી. વધુમાં, યુવાનોને પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ અને કૌશલ વિકાસ યોજના દ્વારા 'જોબ સીકર' ને બદલે 'જોબ ક્રિએટર' બનવા પ્રેરિત કર્યા હતા.

ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુશાસન:
વ્યાખ્યાન દરમિયાન તેમણે ભારતની આયુષ્માન ભારત, આભા (ABHA) આઈડી અને જનની સુરક્ષા યોજનાને આરોગ્ય ક્ષેત્રની ગેમ-ચેન્જર ગણાવી હતી. ભારતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે વિશ્વ માટે મિસાલ છે, જેમાં UPI, જનધન યોજના અને ડિજી લોકર જેવી સેવાઓએ નાગરિકોનું જીવન સરળ બનાવ્યું છે. તેમણે મિશન કર્મયોગી અને IGOT પ્લેટફોર્મ દ્વારા સિવિલ સર્વન્ટ્સની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂક્યો હતો.

અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ કાર્યક્રમ સ્પીપાના ડાયરેકટ જનરલ હારિત શુક્લા અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સી.સી. કોટકના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યસચિવ પ્રવીણ કે. લહેરી, સ્પીપાના જોઇન્ટ ડાયરેક્ટર (રેવન્યુ) એ.એ. ડોડિયા, નોલેજ મેનેજર ઋતા ભટ્ટ અને નાયબ નિયામક (હિસાબ) હાર્દિક પ્રજાપતિ સહિત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ અને તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય વક્તા અમિતાભ રંજન, જેઓ આઈ.આઈ.ટી. (ISM) ધનબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને જાહેર વહીવટમાં ૨૫ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે, તેમણે ટેકનોલોજી અને ગ્રાસરૂટ ગવર્નન્સ દ્વારા ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવાનું વિઝન રજૂ કર્યું હતું.

(10:24 AM IST)