હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બરોડા ડેરીમાં ભાજપના જ આંતરિક જંગનો ડંકો: ડેસર ઝોનની બેઠક પર કુલદીપસિંહ રાઉલજી અને સુરપાલસિંહ પરમાર વચ્ચે ખરાખરીનો મુકાબલો
સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો: 9 બેઠકો બિનહરીફ થયા બાદ હવે ડેસરની બેઠક પર સૌની નજર, સંગઠન વિરુદ્ધ પૂર્વ ડિરેક્ટરની લડાઈમાં કોણ બાજી મારશે?

વડોદરા:બરોડા ડેરીની આગામી ચૂંટણીને લઈને સહકારી અને રાજકીય બંને ક્ષેત્રોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 9 બેઠકો બિનહરીફ જાહેર થતા ડેરીના સંચાલનનું ચિત્ર મોટાભાગે સ્પષ્ટ થઈ ગયું છે, પરંતુ ડેસર ઝોન-6 ની બેઠક પર સર્જાયેલી સ્થિતિએ ભારે રાજકીય ગરમાવો પેદા કર્યો છે. અહીં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા બે દિગ્ગજ નેતાઓ – વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી અને સાવલી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સુરપાલસિંહ પરમાર – એકબીજાની સામે મેદાને પડ્યા છે. ભાજપ સામે ભાજપનો જ આ આંતરિક જંગ હાલમાં ડેરી ચૂંટણીનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે.
એક તરફ કુલદીપસિંહ રાઉલજી છે, જેઓ વર્તમાન ડિરેક્ટર તરીકે ડેરીના વહીવટમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને સહકારી ક્ષેત્રના અનુભવી નેતા તરીકે ઓળખાય છે, તો બીજી તરફ ભાજપના સંગઠનાત્મક માળખામાં મજબૂત પકડ ધરાવતા સુરપાલસિંહ પરમાર છે. આ ચૂંટણી હવે માત્ર ઉમેદવારો વચ્ચેનો મુકાબલો નથી રહી, પરંતુ તે સંગઠન વિરુદ્ધ જૂના અનુભવી નેતાના પ્રતિષ્ઠાના જંગમાં ફેરવાઈ ગઈ છે. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે કોઈ પણ પક્ષ નમતું જોખવા તૈયાર ન થતાં, હવે આ બેઠક પર મતદાન દ્વારા જ નિર્ણય લેવાશે, જેના કારણે પક્ષના સ્થાનિક સ્તરે જૂથવાદની ચર્ચાઓ પણ તેજ બની છે.
બરોડા ડેરીની આગામી તા. 18 માર્ચના રોજ યોજાનારી ચૂંટણી માટે હવે કુલ 8 ઉમેદવારો મેદાનમાં છે, જેઓ બાકી રહેલી 4 ઝોનની બેઠકો માટે લડત આપશે. જોકે, ડેસર ઝોનની આ સીધી ટક્કર પર સહકારી આગેવાનો અને રાજકીય નેતાઓની વિશેષ નજર છે. ભાજપ માટે આ એક આંતરિક માથાકૂદ જેવી સ્થિતિ છે, કારણ કે બંને ઉમેદવારો ભાજપ વિચારધારા સાથે જોડાયેલા છે, જેના કારણે મતદારોમાં પણ કયા જૂથને સમર્થન આપવું તે અંગે ભારે મથામણ જોવા મળી રહી છે. હવે આ રસપ્રદ અને રસાકસીભર્યા જંગમાં કયા ઉમેદવારને સભાસદોનો આશીર્વાદ મળે છે, તે તો મતદાન બાદ જ સ્પષ્ટ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
