<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

વિકસિત ગુજરાત @2047ના લક્ષ્ય સાથે દક્ષિણ ગુજરાત બનશે ગ્રોથ હબ: સુરત ઇકોનોમિક રિજિયન માટે ₹1185 કરોડના કામો મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિઝનરી આયોજન: સુરત, ભરૂચ સહિત 6 જિલ્લાઓમાં 383 કિમી લાંબા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું થશે અપગ્રેડેશન; ઉદ્યોગો, ખેતી અને પ્રવાસન ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી થશે

ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'અમૃતકાલ'ના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે રચવામાં આવેલા 'ગ્રીટ' (ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન) દ્વારા તૈયાર કરાયેલા રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન અંતર્ગત દક્ષિણ ગુજરાતના સુરત ઈકોનોમિક રિજિયન (SER) માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અર્થે સૌ પ્રથમ ₹1185 કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓનો સર્વાંગી વિકાસ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ દિર્ઘદ્રષ્ટીપૂર્ણ નિર્ણયથી સુરત, તાપી, વલસાડ, ભરૂચ, નવસારી અને ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસની રફતાર તેજ બનશે. SERમાં સમાવિષ્ટ આ જિલ્લાઓ રાજ્યના કુલ આર્થિક વિકાસમાં 35 ટકાથી વધુનું યોગદાન આપે છે. આ આર્થિક ક્ષેત્રના વિકાસ માટે પાંચ જિલ્લાઓમાં કુલ 383 કિલોમીટર લંબાઈના 24 જેટલા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના કામો હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી "અર્નિંગ વેલ - લિવિંગ વેલ"નો ધ્યેય પાર પાડી શકાશે.

ઔદ્યોગિક વિસ્તરણ અને લોજિસ્ટિક ક્ષમતામાં વધારો:
આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનથી સુરત, ભરૂચ અને નવસારી જેવા મુખ્ય ઔદ્યોગિક હબ અને જી.આઈ.ડી.સી. વિસ્તારોને જોડતા માર્ગો સુધરશે. જેના પરિણામે લોજિસ્ટિક કાર્યક્ષમતા વધશે અને માલસામાન તથા શ્રમિકોની અવર-જવર સુગમ બનશે. ખાસ કરીને ટેક્સટાઇલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને મોટું બળ મળશે. કડોદરા, જોલવા, માંગરોળ, કોસંબા અને તડકેશ્વર જેવા વિસ્તારોની કનેક્ટિવિટી મજબૂત થવાથી ઔદ્યોગિક વિસ્તરણ વેગીલું બનશે. હજીરા પોર્ટ, ફિશરીઝ અને સુગર ફેક્ટરી જેવા એકમોને પણ આ માળખાકીય સુધારાનો સીધો લાભ મળશે.

ખેતી અને પ્રવાસન ક્ષેત્રે નવી ક્રાંતિ:
કનેક્ટિવિટી મજબૂત થવાથી ખેત પેદાશોના પરિવહનમાં ઝડપ આવશે, જેનાથી ખેડૂતો પોતાની વસ્તુઓ બજાર સુધી સરળતાથી પહોંચાડી શકશે. પ્રવાસનની દ્રષ્ટિએ ડાંગ અને વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે સાપુતારા, વિલ્સન હિલ અને મહાલના જંગલો તેમજ સિધ્ધનાથ મહાદેવ, શબરીધામ અને સંજાણની અગિયારી જેવા ધાર્મિક સ્થળોએ પહોંચવું પ્રવાસીઓ માટે વધુ સુલભ બનશે. આનાથી ઇકો-ટુરીઝમ અને ધાર્મિક પ્રવાસનને નવી દિશા મળશે.

રોજગારીના અવસરોમાં થશે મોટો ઉછાળો:
સુરત ઇકોનોમિક રિજિયનમાં પરંપરાગત ઉદ્યોગોની સાથે સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન અને લોજિસ્ટિક્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં વિકાસની નવી તકો ઊભી થશે. આ માળખાકીય સુવિધાઓના કારણે યુવાશક્તિ માટે મોટા પાયે રોજગાર સર્જનના અવસરો ખુલશે. વર્ષ 2047 સુધીમાં ગુજરાતને 3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં SER એક સ્ટ્રેટેજિક ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'જે કહેવું તે કરવું'ના ધ્યેયને સાકાર કરીને ખૂબ જ ટૂંકા ગાળામાં આ માસ્ટર પ્લાન તૈયાર કરી અમલી બનાવ્યો છે.

(6:52 PM IST)