હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીપરાળામાં વીર યદુવંશી દગાયચા દાદાના નૂતન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી પૂજા-અર્ચના
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે: ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા અને સંસ્કારનું સિંચન કરે છે તેમ જણાવતા મુખ્યમંત્રી

સાંતલપુર:પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે શ્રદ્ધા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન શ્રી વીર યદુવંશી દગાયચા દાદા (ડાંગર) મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી મંદિર ખાતે પૂજા-અર્ચના કરી હતી અને સમગ્ર આહીર સમાજને આ ઐતિહાસિક કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીનું આહીર સમાજના અગ્રણીઓ દ્વારા પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગૌરવશાળી ઇતિહાસ અને આધ્યાત્મિક વારસો
કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આવા ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે. તેમણે વીર યદુવંશી દગાયચા દાદાના શૌર્યને નમન કરતા કહ્યું કે, આહીર સમાજ ભગવાન શ્રીકૃષ્ણના વંશ સાથે જોડાયેલો છે અને સદીઓથી રાષ્ટ્રપ્રેમ તથા પરાક્રમની પરંપરા જાળવી રાખી છે. ઇતિહાસ મુજબ વિક્રમ સંવત ૧૩૦૦માં ડગાયચા દાદાએ કચ્છના તુણા ગામમાં તોરણ બાંધી ગામ વસાવ્યું હતું. આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા સમાજના આ ગૌરવશાળી ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દાદાના જીવન પર આધારિત દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.
તીર્થસ્થાનોના વિકાસથી અર્થતંત્રને વેગ
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, દેશમાં સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી પહેલથી સાંસ્કૃતિક ગૌરવને નવી ઉર્જા મળી છે. તીર્થસ્થાનોના વિકાસથી પર્યટન વધે છે અને તેના કારણે સ્થાનિક અર્થતંત્રને નવી શક્તિ પ્રાપ્ત થાય છે. તેમણે પાટણ વિસ્તારના વિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ચારણકા સોલાર પાર્કથી સ્થાનિક રોજગારી વધી છે અને હવે સાણંદ-ધોલેરામાં સેમિકન્ડક્ટર હબના વિકાસથી યુવાનો માટે હાઈટેક રોજગારીના દ્વાર ખુલશે.
વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બનવા અપીલ
વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કરતા ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત સૌને ‘કેચ ધ રેઈન’, ‘એક પેડ મા કે નામ’, સ્વચ્છતા અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.
મહાનુભાવોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ
આ મહોત્સવમાં મંત્રી ત્રિકમભાઈ છાંગા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જવાહર ચાવડા, પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, સંગઠન પ્રમુખ રમેશ સિંધવ, દેવજીભાઈ વડચર તેમજ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ધનજીભાઈ ડાંગર અને શિવજીભાઈ આહિર સહિત આહીર સમાજના હજારો ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
