તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th March 2026
ડાકોરના પુનિત હોલ ખાતે ભવ્ય મહિલા સંમેલન અને સન્માન સમારોહ યોજાયો: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ
મહિલાઓનું સન્માન ન કરનારાઓનું પતન નિશ્ચિત હોવાનું જણાવતા જગદીશભાઈ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિના અપમાનની ઘટનાને સખત શબ્દોમાં વખોડી; નારીશક્તિના મેનેજમેન્ટ અને આર્થિક સદ્ધરતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યોજનાઓને બિરદાવી

ડાકોર: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસરે ખેડા જિલ્લાના ડાકોર ખાતે ભાજપા પ્રદેશ મહિલા મોરચા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનો સન્માન સમારોહ અને વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વિશેષ ઉપસ્થિત રહી નારીશક્તિના ગૌરવને વધાર્યું હતું. સંમેલન પૂર્વે તેમણે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી રણછોડરાયજી મંદિરમાં દર્શન કરી સર્વેની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
નારીશક્તિ અને સંસ્કારોનો મહિમા
પુનિત હોલ ખાતે આયોજિત સંમેલનમાં જગદીશભાઈ વિશ્વકર્માએ 'જય રણછોડ'ના નાદ સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં મહિલાઓને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. મહિલાઓમાં અદભૂત કાર્યશક્તિ અને મેનેજમેન્ટનું કૌશલ્ય વણાયેલું છે. તેમણે શિવાજી મહારાજને સંસ્કાર આપનાર રાજમાતા જીજાબાઈ અને ભક્ત શિરોમણી મીરાબાઈના ઉદાહરણો આપી મહિલાઓના ગુણોની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, માતા એવું વ્યક્તિત્વ છે જે કોઈપણ સ્વાર્થ વગર સંતાનો માટે જીવે છે.
શિક્ષણ અને સશક્તિકરણ માટે સરકારી યોજનાઓ
પ્રદેશ અધ્યક્ષે મહિલા સશક્તિકરણ અંગે વાત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને પોષણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. ગુજરાતમાં 'નમો સરસ્વતી' અને 'નમો લક્ષ્મી' જેવી યોજનાઓ દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળી રહ્યું છે. જે પ્રક્રિયા નરેન્દ્રભાઈએ શરૂ કરી હતી તેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે. તેમણે દેશના નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણના હાથમાં દેશની તિજોરીની ચાવી હોવાને મહિલાઓના ઉત્તમ મેનેજમેન્ટનું સર્વોત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
પશ્ચિમ બંગાળની ઘટનાની કડક શબ્દોમાં નિંદા
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી દ્વારા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પ્રત્યે દાખવવામાં આવેલી ગેરશિસ્ત અને પ્રોટોકોલના ભંગની ઘટનાને જગદીશભાઈએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, જે મહિલાઓનું સન્માન નથી કરતા તેમનું "ધનોત પનોત નીકળતા ક્યારેય વાર નથી લાગતી." તેમણે વડોદરાની દીકરી સોફિયાની બહાદુરીને પણ બિરદાવી હતી.
આર્થિક સદ્ધરતા અને રોજગારી
મહિલાઓના આર્થિક યોગદાનની ચર્ચા કરતા તેમણે અમૂલ ડેરી, લિજ્જત પાપડ અને ઉત્તરસંડાના ગૃહ ઉદ્યોગોનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ 'લખપતિ દીદી' અને 'નમો ડ્રોન દીદી' જેવી યોજનાઓથી નારીશક્તિ આર્થિક રીતે સદ્ધર બની રહી છે. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી રમણભાઈ સોલંકી, સંજયસિંહ મહિડા, પ્રદેશ ભાજપા મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ સહિત સંગઠનના અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
