<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

મા નર્મદાના ખોળે માનવતાની મહેક: ભરૂચની બે બહેનોએ પરિક્રમાવાસીઓ માટે ખોલ્યા દિલ અને ઘરના દ્વાર, મુખ્યમંત્રીએ પણ જ્યોતિબેન અને જયશ્રીબેનના સેવા યજ્ઞને બિરદાવ્યો!

વારસામાં મળેલા સેવાના સંસ્કારોને બનાવ્યું જીવનનું લક્ષ્ય: મંગલેશ્વરની બે બહેનો કોઈ પણ સંસ્થાની મદદ વગર હજારો શ્રદ્ધાળુઓની કરી રહી છે નિઃશુલ્ક સેવા

ભરૂચ: "નર્મદે સર્વદે..." ના નાદ સાથે જ્યારે શ્રદ્ધાળુઓ મા નર્મદાની કઠિન પરિક્રમાએ નીકળે છે, ત્યારે તેમને થાક ઉતારવા અને ભૂખ સંતોષવા માટે કોઈ આશરાની શોધ હોય છે. ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ગામની બે સગી બહેનો, જ્યોતિબેન અને જયશ્રીબેન, આ શ્રદ્ધાળુઓ માટે આશાનું કિરણ બની છે. છેલ્લા લાંબા સમયથી આ બંને બહેનો કોઈ પણ જાતના દેખાડા કે સંસ્થાકીય આર્થિક મદદ વગર, પોતાના સ્વ-ખર્ચે પરિક્રમાવાસીઓ માટે ભોજન અને રહેઠાણની ઉત્તમ વ્યવસ્થા કરી રહી છે.
દાદીમાનો વારસો અને અતૂટ શ્રદ્ધા
આ સેવાનો છોડ તેમના હૃદયમાં નાનપણથી જ રોપાયો હતો. પોતાના દાદીમા પાસેથી મળેલા સેવાના સંસ્કારોને આ બહેનોએ વટવૃક્ષ બનાવ્યો છે. નર્મદા પરિક્રમાને આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે, અને આ કઠિન માર્ગ પર ચાલતા સાધુ-સંતો અને ભક્તોની સેવા કરવી એ જ આ બહેનો માટે મા નર્મદાની સાચી ભક્તિ છે. તેમનો આ 'સેવારથ' રાત-દિવસ જોયા વગર અવિરત ચાલતો રહે છે.
રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીએ નોંધ લીધી
નિઃસ્વાર્થ ભાવે ચાલતી આ સેવાની સુવાસ છેક ગાંધીનગર સુધી પહોંચી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બંને બહેનોના સમર્પણની વિશેષ નોંધ લઈ તેમને અભિનંદન પાઠવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રેરણાદાયી કામગીરીને બિરદાવવા માટે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
કલેક્ટરે રૂબરૂ મુલાકાત લઈ સન્માન કર્યું
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ શુકલતીર્થ ખાતે આ બહેનોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે રાજ્ય સરકાર વતી સન્માન પત્ર અર્પણ કરતા જણાવ્યું હતું કે, જ્યોતિબેન અને જયશ્રીબેનની આ કામગીરી સમાજ માટે એક દિવાદાંડી સમાન છે. ભક્તિની સાથે જ્યારે માનવતા અને સેવા ભળે છે, ત્યારે તે એક દિવ્ય ઉદાહરણ બની જાય છે. આજે સમગ્ર ભરૂચ પંથકમાં આ બે બહેનોની સેવાકીય જ્યોતની ચર્ચાઓ થઈ રહી છે.

(7:41 PM IST)