એમેઝોનનું ₹85 લાખનું પેકેજ ઠુકરાવી દેશસેવા પસંદ કરી: જાણો વડોદરાના લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સગ્ગીની ગૌરવશાળી સફર, જેમના શૌર્યને આર્મી ચીફે પણ સલામી આપી!
વર્દીથી વેલફેર સુધીની અનોખી મજલ: ભારતીય સેનાના પ્રથમ મહિલા વેટરન ઓફિસર જેમણે 'વેટરન્સ એચિવર્સ એવોર્ડ' જીતીને ઇતિહાસ રચ્યો

વડોદરા: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માત્ર ઉજવણીનો નહીં, પણ શક્તિ અને સમર્પણને બિરદાવવાનો અવસર છે. વડોદરાના જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સગ્ગી (નિવૃત્ત) એ સાબિત કરી દીધું છે કે જ્યારે લક્ષ્ય દેશસેવા હોય, ત્યારે કરોડોના પેકેજ પણ તુચ્છ લાગે છે. તાજેતરમાં જ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના હસ્તે 'વેટરન એચીવર્સ એવોર્ડ' મેળવીને તેઓ આ સન્માન મેળવનાર દેશના પ્રથમ મહિલા વેટરન ઓફિસર બન્યા છે.
શૌર્યના બીજ અને સંસ્કારી નગરીનું ઘડતર
મૂળ પંજાબના વતની પરંતુ માત્ર 4 વર્ષની ઉંમરથી વડોદરાને જ પોતાની કર્મભૂમિ બનાવનાર કમલપ્રીત સગ્ગીના લોહીમાં જ શૌર્ય હતું. તેમના પરદાદીના 8 પુત્રોએ બીજા વિશ્વયુદ્ધમાં પરાક્રમ બતાવ્યું હતું. બાળપણમાં 'પરમવીર ચક્ર' શ્રેણી જોઈને લશ્કરમાં જોડાવાનું સપનું સેવનાર કમલપ્રીતે વર્ષ 1999માં ભારતીય સેનાની વર્દી ધારણ કરી. શ્રીનગરની કકડતી ઠંડી હોય કે યુદ્ધ જેવી સ્થિતિ, તેમણે હંમેશા મોખરે રહીને નેતૃત્વ પૂરું પાડ્યું છે.
₹85 લાખનું પેકેજ ઠુકરાવ્યું અને 'સેવા' પસંદ કરી
નિવૃત્તિ બાદ જ્યારે એમેઝોન જેવી દિગ્ગજ કંપનીએ તેમને વાર્ષિક ₹85 લાખના પગારની ઓફર કરી, ત્યારે તેમણે આર્થિક સુખ કરતા 'આત્મસંતોષ'ને વધુ મહત્વ આપ્યું. તેમણે નક્કી કર્યું કે જે સૈન્ય સમુદાયે તેમને ઓળખ આપી છે, તેમના માટે કંઈક કરવું જોઈએ. આજે તેઓ વડોદરામાં પૂર્વ સૈનિકો અને વીર નારીઓની મજબૂત લાકડી બનીને ઉભા છે.
વડોદરામાં લાવ્યા પરિવર્તનનો પવન
જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેમણે કચેરીની કાયાપલટ કરી નાખી છે. પૂર્વ સૈનિકોને સન્માન મળે તે માટે ઓફિસનું આધુનિકીકરણ કર્યું અને રોજગાર મેળાઓ દ્વારા અનેક પરિવારોને આર્થિક ટેકો અપાવ્યો. વીર નારીઓને પગભર કરવા માટે આઈઓસીએલ (IOCL) ના સહયોગથી સ્ટોલ અને કૌશલ્યવર્ધન કોર્સ શરૂ કરાવ્યા, જે આજે અનેક મહિલાઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે.
યુવા પેઢીને રોકડો સંદેશ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેઓ યુવાઓને પ્રેરણા આપતા કહે છે કે, "પોતાની જાતને સ્ત્રી કે પુરુષના ચશ્માથી જોવાનું બંધ કરો. તમે એક યોદ્ધા છો." જો મનમાં મક્કમતા હોય, તો ગમે તેવું મુશ્કેલ ગગન પણ ટૂંકું પડે છે. આજે લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સગ્ગીની સફર વડોદરા અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
