<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

સુરતના પોશ વિસ્તારમાં મોતના મુખ જેવી ખુલ્લી ગટર: મનપાએ રસ્તો તો ચકાચક બનાવ્યો પણ મેનહોલ પર ઢાંકણું લગાવતા ભૂલી ગયું, વાહનચાલકોના જીવ અધ્ધર!

વેસુ આરોગ્ય કેન્દ્રની સામે જ તંત્રની 'બીમાર' કામગીરી: સ્માર્ટ સિટીમાં ખુલ્લી ગટરો અકસ્માતને આપી રહી છે ખુલ્લું નિમંત્રણ, રાત્રિના સમયે મોતનો ભય વધુ ઘેરો બન્યો

સુરત: ડાયમંડ સિટી સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં મહાનગરપાલિકા (SMC) ની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેસુ આરોગ્ય કેન્દ્રની બિલકુલ સામે જ મુખ્ય માર્ગ પર ગટરનું મેનહોલ ઢાંકણા વગરનું ખુલ્લું જોવા મળી રહ્યું છે. નવાઈની વાત એ છે કે મનપા દ્વારા અહીં નવો રસ્તો તો બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ ગટર પર ઢાંકણું લગાવવાની તસ્દી લેવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે.
વાહનચાલકો માટે 'ડેન્જર ઝોન'
આ વ્યસ્ત માર્ગ પરથી દિવસભર હજારો વાહનો પસાર થાય છે. ગટર ખુલ્લી હોવાને કારણે ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે. રાત્રિના સમયે પૂરતી લાઈટના અભાવે જો કોઈનું ટાયર આ મેનહોલમાં ઉતરી જાય, તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
તંત્રની બેદરકારી સામે સ્થાનિકોનો આક્રોશ
વેસુ આરોગ્ય કેન્દ્ર પાસે રહેતા નાગરિકોનું કહેવું છે કે, મનપા ટેક્સ વસૂલવામાં મોખરે રહે છે પરંતુ પાયાની સુવિધાઓ અને સુરક્ષાના મામલે ઉણી ઉતરે છે. રસ્તો બનાવતી વખતે મેનહોલનું ઢાંકણું કેમ લેવલ કરવામાં ન આવ્યું અથવા નવું કેમ ન લગાવાયું? તે એક મોટો સવાલ છે. આ ખુલ્લી ગટર હવે વાહનચાલકો માટે 'મોતનો કૂવો' સાબિત થઈ રહી છે.
વહેલી તકે ઉકેલ લાવવા માગ
સ્થાનિકો અને વાહનચાલકોએ મનપા તંત્ર પાસે ઉગ્ર માગ કરી છે કે, કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલાં આ ગટર પર મજબૂત ઢાંકણું લગાવી દેવામાં આવે. ટ્રાફિકના ભારણવાળા આ વિસ્તારમાં આવી બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે મનપાના અધિકારીઓ આ 'ખુલ્લી મુસીબત' પર ક્યારે ઢાંકણું મારે છે.

(8:51 PM IST)