તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th March 2026
બનાસકાંઠામાં ભાજપ નેતાની 'ગૌ-ભક્તિ'ના નામે કરોડોના ગોટાળાનો પર્દાફાશ: ગૌશાળાના નાણાંમાં ₹1.24 કરોડની ઉચાપત ખુલતા ખળભળાટ, સમાજના દબાણ બાદ નેતા ₹71 લાખ પાછા આપવા તૈયાર!
માવસરીની ધરણીધર ગૌશાળામાં ભ્રષ્ટાચારની ગંધ: સરપંચના પતિ અને પૂર્વ ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર ગંભીર આક્ષેપો, પૂજારી અને સમાજની બેઠકમાં 'પાપ' છરકે આવતા નેતાએ હપ્તેથી નાણાં ચૂકવવાની કબૂલાત કરી

વાવ: બનાસકાંઠાના વાવ તાલુકાના માવસરી ગામમાં ગાયોના ઘાસચારા અને ગૌશાળાના નામે થયેલા કરોડોના વહીવટી ગોટાળાએ સમગ્ર પંથકમાં રાજકીય ભૂકંપ લાવી દીધો છે. જે ગૌશાળામાં લોકો શ્રદ્ધાથી દાન આપે છે, તે જ ધરણીધર ગૌશાળાના વહીવટમાં ₹1.24 કરોડ જેવી માતબર રકમની ઉચાપતનો મામલો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કૌભાંડમાં શાસક પક્ષના નેતાનું નામ ખુલતા 'ગૌ-ભક્તિ'ના નારા લગાવતા રાજકીય નેતાઓનો અસલી ચહેરો ઉઘાડો પડ્યો છે.
ચોંકાવનારો ખુલાસો અને નેતા પર આક્ષેપ
ગૌશાળાના વહીવટમાં લાંબા સમયથી ચાલી રહેલી અનિયમિતતાઓને પગલે ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ગૌશાળાના પૂજારી અને સમાજ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ખુલાસો થયો હતો કે, માવસરી ગામના સરપંચના પતિ અને વાવ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રકાશ વ્યાસ દ્વારા ગૌશાળાના નાણાંમાં મોટાપાયે ખેલ કરવામાં આવ્યો છે.
₹71 લાખ પરત કરવા નેતા થયા સંમત
સમાજના આગેવાનોના ઉગ્ર વલણ અને પુરાવાઓ સામે આવતા, ભાજપ નેતા પ્રકાશ વ્યાસ પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. અંતે, તેમણે વહીવટમાં થયેલા ગોટાળા બદલ ₹71 લાખની રકમ ગૌશાળામાં પરત કરવાનું સ્વીકાર્યું છે. આ રકમ તેઓ બે હપ્તામાં ગૌશાળાના બેંક ખાતામાં જમા કરાવશે તેવી લેખિત સંમતિ બાદ મામલો થાળે પાડવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ગ્રામજનોમાં હજુ પણ ભારોભાર આક્રોશ છે.
રાજકારણમાં ગરમાવો: ભાજપ-કોંગ્રેસ આમને સામને
ગૌશાળાના નાણાંની આ કથિત ઉચાપતે હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. વાવ-થરાદ વિસ્તારમાં આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસે આને ભાજપનો અસલી ચહેરો ગણાવ્યો છે, જ્યારે ભાજપ બચાવની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. આગામી સમયમાં આ મામલે પોલીસ ફરિયાદ કે વધુ કડક તપાસની માંગ પણ ઉઠી શકે છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
