News of Sunday, 8th March 2026
નેશનલ એક્સપ્રેસ-વે પર ફિલ્મી ઢબે દારૂની તસ્કરીનો પર્દાફાશ: લક્ઝરી ગાડીમાં ગુપ્ત ખાનું બનાવી ઘૂસાડાતો વિદેશી શરાબ ઝડપાયો
વડોદરા ગ્રામ્ય LCBની લાલ આંખ: નંબર પ્લેટ વગરની મહિન્દ્રા મેક્સમાં વાપીથી વડોદરા તરફ લવાતો રૂ. 4.45 લાખનો દારૂ જપ્ત; રાજસ્થાની ડ્રાઈવરની ધરપકડ સાથે કુલ રૂ. 9.50 લાખનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ

વડોદરા: ગુજરાતના નેશનલ એક્સપ્રેસ-વે નંબર-4 પર પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ અપનાવેલી નવીતર તરકીબનો વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે LCBના પીઆઈ કે.આર. સિસોદિયા અને તેમની ટીમે કરજણ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન સુરત તરફથી આવતી એક શંકાસ્પદ સફેદ રંગની મહિન્દ્રા મેક્સ ગાડી, જેના પર નંબર પ્લેટ પણ નહોતી, તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને સાંપા ગામના નાળા પાસે ગાડીને કોર્ડન કરી લીધી હતી અને ડ્રાઈવરની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન ગાડીની અંદર કોઈ પણ દારૂ દેખાતો નહોતો, પરંતુ પ્રાથમિક તપાસમાં ગાડીની બનાવટમાં ફેરફાર જણાતા પોલીસને શંકા ગઈ હતી. ગાડીનું બારીકાઈથી નિરીક્ષણ કરતા તેમાં સીટોની નીચે અને બોડીમાં અત્યંત હોશિયારીથી બનાવેલું એક ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ખાનું ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેમાં વિદેશી શરાબની અલગ-અલગ બ્રાન્ડની કુલ 1276 બોટલો વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી. આ દારૂનો જથ્થો વાપી સ્થિત મહારાષ્ટ્ર બોર્ડરથી ભરીને વડોદરા તરફ સપ્લાય કરવા માટે લાવવામાં આવી રહ્યો હોવાનું ખુલ્યું છે.
ઝડપાયેલા રાજસ્થાની ડ્રાઈવર પાસેથી પોલીસે રૂ. 4,45,484 ની કિંમતનો વિદેશી દારૂ, રૂ. 5 લાખની કિંમતની ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 9,50,484 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો વડોદરામાં કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. એક્સપ્રેસ-વે પર નંબર પ્લેટ વગરની ગાડી ફેરવીને કાયદાના લીરેલીરા ઉડાવતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
