<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ગાંધીનગરમાં ખાખીનો કાળો ચહેરો: નિવૃત્ત PSIની વ્યાજખોરીના ત્રાસથી કંટાળી સેક્શન અધિકારીએ કેનાલમાં કૂદીને કરી આત્મહત્યા

૧૦ લાખના દેવા બદલ ૯૦ લાખની વસૂલાત છતાં દોઢ કરોડની માંગણી: પુત્રનું અપહરણ અને મિલકત પડાવવાના પ્રયાસોથી વ્યથિત અધિકારીનું કરુણ અંત, નિવૃત્ત પોલીસ અધિકારી વિરુદ્ધ સાંતેજ પોલીસમાં હત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ

ગાંધીનગર:ગાંધીનગરમાં વ્યાજખોરીના દૂષણે એક પરિવારના હસતા-ખેલતા દીવાને ઓલવી નાખ્યો છે. ગૃહ વિભાગના નિવૃત્ત સેક્શન અધિકારી પ્રકાશ નાયકે અડાલજ કેનાલમાં મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવતા સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં નિવૃત્ત પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) શૈલેષ બચુ નાયકનું નામ ખૂલતા પોલીસ બેડામાં ભારે આક્રોશ ફેલાયો છે. પ્રકાશ નાયકે પોતાની સ્યુસાઈડ નોટમાં નિવૃત્ત PSI દ્વારા છેલ્લા લાંબા સમયથી આપવામાં આવતા અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસની વિગતો વર્ણવી છે, જેણે આખા કેસને અત્યંત ગંભીર બનાવી દીધો છે.

પરિવારજનો દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો મુજબ, પ્રકાશ નાયકે જરૂરિયાતના સમયે ૧૦ લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું, પરંતુ વ્યાજખોર નિવૃત્ત PSI ની ભૂખનો કોઈ અંત નહોતો. અત્યાર સુધીમાં ૧૦ લાખના બદલામાં ૯૦ લાખ રૂપિયા વસૂલી લીધા હોવા છતાં, આરોપીએ વધુ દોઢ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વ્યાજની ઉઘરાણી માટે આરોપીએ પ્રકાશ નાયકના પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો અને તેમની મિલકત પણ બળજબરીથી લખાવી લેવાની પેરવી કરી હતી. પોલીસ અધિકારી હોવાની રૂએ સત્તાનો દુરુપયોગ કરીને કરવામાં આવેલી આ હેવાનિયતને કારણે મૃતક છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે ભાંગી પડ્યા હતા.

આ ઘટનાની ગંભીરતાને જોતા સાંતેજ પોલીસે નિવૃત્ત PSI શૈલેષ બચુ નાયક વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણ (Abetment to Suicide) અને ગુજરાત મની લેન્ડર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદાનો સકંજો કસ્યો છે. હાલમાં પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ખાખીના ઓથા હેઠળ ચાલતી આ વ્યાજખોરીની જાળમાં અનેક નિર્દોષ લોકો ફસાયા હોવાની શંકા સેવાઈ રહી છે, ત્યારે પોલીસ તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. આ બનાવ બાદ ગાંધીનગરમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરી એકવાર ઝુંબેશની માંગ પ્રબળ બની છે.

(11:39 PM IST)