<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

અંકલેશ્વરની પાનોલી GIDCમાં કેમિકલ કંપનીમાં તાંડવ: ભીષણ આગથી આકાશ કાળું ડિબાંગ, ૧૫થી વધુ ફાયર ફાઈટરોની જહેમત બાદ કાબૂ

ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગની જ્વાળાઓએ મચાવ્યો કાળો કેર: ૮૦ કામદારોના જીવ અધ્ધર, ૩ને ગંભીર અસર સાથે હોસ્પિટલ ખસેડાયા, બે વાહનો ભસ્મીભૂત

અંકલેશ્વર:અંકલેશ્વરની પાનોલી GIDC વિસ્તાર આજે એક ભયાનક અગ્નિકાંડથી ધણધણી ઉઠ્યો હતો. ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ અને આકાશમાં ઉઠેલા કાળા ધુમાડાના ગોટેગોટાએ સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ફફડાટ ફેલાવી દીધો હતો. ઘટના સમયે કંપનીમાં આશરે ૮૦ જેટલા કામદારો ફરજ પર હાજર હતા, જેમના જીવ તાળવે ચોંટી ગયા હતા. અફરાતફરીના આ માહોલમાં જીવ બચાવવા માટે કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી, જે દ્રશ્યો અત્યંત ભયાવહ હતા.

આગની ગંભીરતાને પારખી ફાયર વિભાગ દ્વારા તત્કાલ 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર અને પાનોલી ફાયર સ્ટેશનની ૧૫થી વધુ ગાડીઓ કામે લગાડવામાં આવી હતી અને લાંબા સમયની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં કંપનીના પરિસરમાં ઉભેલા ૨ વાહનો બળીને રાખ થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ધુમાડાની ગંભીર અસરને કારણે ૩ કામદારોને શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અત્યારે પણ ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ દ્વારા કુલિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ કેમિકલ રિએક્શન અથવા શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને સંબંધિત સરકારી તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પાનોલી GIDCમાં વારંવાર બનતી આવી આગની ઘટનાઓથી સુરક્ષાના ધોરણો સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

(12:02 AM IST)