તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
ગોંડલ હાઈપ્રોફાઇલ ડેથ કેસમાં વળાંક : SIT ના રિપોર્ટમાં ગણેશ જાડેજા નિર્દોષ : હાઈકોર્ટમાં સોંપાયું સોગંદનામું
રાજકુમાર જાટના રહસ્યમય મોતમાં ગણેશ ગોંડલની સંડોવણીના પુરાવા ન મળ્યા : નાર્કો ટેસ્ટ અને એફએસએલ રિપોર્ટના આધારે તપાસનીશ ટીમે આપી મોટી રાહત : કેસની આગામી સુનાવણી ૨૯ જૂનના રોજ નિયત કરવામાં આવી

રાજકોટ: સૌરાષ્ટ્રના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો લાવનાર ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં એક નવો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવેલી ઊંડી તપાસ બાદ ગણેશ ગોંડલને ક્લીનચીટ આપવામાં આવી છે. એસઆઈટીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનામાં ગણેશ ગોંડલની કોઈ પણ પ્રકારની ભૂમિકા હોવાનું જણાયું નથી.
તકનીકી પુરાવા અને નાર્કો ટેસ્ટ બન્યા આધાર:
રાજકુમાર જાટના પિતા દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટના આદેશથી રચાયેલી એસઆઈટીએ આધુનિક ફોરેન્સિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં ગણેશ ગોંડલનો ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટના પરિણામો, સાક્ષીઓની ઉલટતપાસ અને ઘટનાસ્થળના ટેકનિકલ પુરાવાઓને આધારે તપાસનીશ ટુકડી એવા તારણ પર પહોંચી છે કે યુવકના મોતમાં ગણેશ ગોંડલ સામે કોઈ ગુનાહિત કાવતરું સાબિત થતું નથી.
શું હતી સમગ્ર ઘટના?
૯ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજકોટ-અમદાવાદ હાઈવે પર તરઘડિયા ઓવરબ્રિજ પાસેથી રાજકુમાર જાટનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યો હતો કે તેના પુત્રનું મોત અકસ્માત નહીં પણ હત્યા છે અને આ પાછળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલનો હાથ છે. આ આક્ષેપોને પગલે મામલો અત્યંત સંવેદનશીલ બન્યો હતો અને લાંબી કાયદાકીય લડત બાદ નાર્કો ટેસ્ટની મંજૂરી આપવામાં આવી હતી.
આગામી સુનાવણી જૂન મહિનામાં:
એસઆઈટી દ્વારા તૈયાર કરવામાં આવેલો આ વિગતવાર તપાસ રિપોર્ટ હવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો છે. એસઆઈટીની આ ક્લીનચીટ બાદ હવે કોર્ટ આ રિપોર્ટને ગ્રાહ્ય રાખે છે કે કેમ તે જોવાનું રહેશે. હાઈકોર્ટમાં આ કેસની આગામી સુનાવણી ૨૯ જૂનના રોજ નિયત કરવામાં આવી છે, જેમાં એસઆઈટીના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. હાલના તબક્કે ગણેશ ગોંડલને આ મામલે કાયદાકીય રીતે મોટી રાહત મળતી જણાઈ રહી છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
