તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 9th March 2026
મહેસાણા જિલ્લાના લાંઘણજ-વડસ્મા રોડ પર એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના : કાળા કલરની એક અજાણી કારે બાઇક સવાર ત્રણ મિત્રોને જોરદાર ટક્કર મારતા એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે મોત : બે યુવાનો ગંભીર
સમૂહ લગ્નના ખુશીના પ્રસંગમાં જઈ રહેલા યુવાનો કાળનો પંજો ભીંસી જતાં ડાંગરવા ગામમાં માતમ છવાઈ ગયો : 20 વર્ષના સતીષના અકાળે અવસાનથી પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ

મહેસાણા તા.૯
જિલ્લાના લાંઘણજ-વડસ્મા રોડ પર એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાળા કલરની એક અજાણી કારે બાઇક સવાર ત્રણ મિત્રોને જોરદાર ટક્કર મારતા એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ,મહેસાણા જિલ્લાના ડાંગરવા ગામના ત્રણ મિત્રો એક જ બાઇક પર સવાર થઈને સમૂહ લગ્નના પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન લાંઘણજ-વડસ્મા રોડ પર કાળા કલરની પૂરઝડપે આવી રહેલી એક અજાણી કારે તેમના બાઇકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર ત્રણેય યુવાનો રોડ પર ફંગોળાયા હતા.
આ અકસ્માતમાં સતીષ રાવળ (ઉંમર 20 વર્ષ), રહે. ડાંગરવા. સતીષનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.નિખિલ અને બ્રીજેશ નામના બે યુવાનોને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે.અકસ્માત બાદ તરત જ સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ગામમાં શોકનું મોજું
સમૂહ લગ્નના ખુશીના પ્રસંગમાં જઈ રહેલા યુવાનો કાળનો પંજો ભીંસી જતાં ડાંગરવા ગામમાં માતમ છવાઈ ગયો છે. 20 વર્ષના સતીષના અકાળે અવસાનથી પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
અકસ્માત સર્જીને કાળા કલરની કારનો ચાલક ગાડી સાથે ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ લાંઘણજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
