<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ટી-20 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત બદલ વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ અભિનંદન પાઠવ્યાં

મોરારી બાપુએ પોતાની કથા દરમિયાન ભારતીય ટીમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જે રીતે ભારતીય ખેલાડીઓએ મેદાન પર પ્રદર્શન કરીને ભારતનું ગૌરવ વધાર્યું

ટી-20 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે આધ્યાત્મિક જગતમાંથી પણ ટીમને આશીર્વાદ મળી રહ્યા છે. વિશ્વપ્રસિદ્ધ રામકથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુએ ભારતીય ક્રિકેટ ટીમને આ ભવ્ય સફળતા બદલ વ્યાસપીઠ પરથી અભિનંદન પાઠવ્યાં છે. બાપુએ આ જીતને માત્ર એક રમતની જીત નહીં, પણ રાષ્ટ્રના ગૌરવ સમાન ગણાવી છે.

મોરારી બાપુએ પોતાની કથા દરમિયાન ભારતીય ટીમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જે રીતે ભારતીય ખેલાડીઓએ મેદાન પર પ્રદર્શન કરીને ભારતનું ગૌરવ વધાર્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે. બાપુએ ટીમ ઈન્ડિયાના કોચ, કેપ્ટન અને તમામ યુવા ખેલાડીઓને ખાસ બધાઈ આપી હતી. તેમણે ઉમેર્યું કે, ખેલાડીઓની મહેનત અને સમર્પણને કારણે આજે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગ્યો છે અને સમગ્ર ક્રિકેટ જગત આ ક્ષણને ઉજવી રહ્યું છે.

બાપુએ બહુ જ ગહન વાત કરતા કહ્યું કે, "સામાન્ય રીતે વ્યાસપીઠ કોણ હાર્યું અને કોણ જીત્યું તેની નોંધ લેતી નથી, પરંતુ અહીં ક્રિકેટની જીત થઈ છે તે ચોક્કસ છે." તેમના મતે રમતગમતમાં હાર અને જીત એ એક સિક્કાની બે બાજુ છે, પણ જ્યારે ખેલદિલી સાથે રમત રમાય છે ત્યારે માનવતા અને કૌશલ્યનો વિજય થાય છે. તેમણે હારનાર ટીમને પણ સંદેશ આપ્યો કે કોઈએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે મેદાન પર રમતનો વિજય થયો છે.

વર્લ્ડ કપની આ જીત બાદ દેશભરમાં જે રીતે દિવાળી જેવો માહોલ સર્જાયો છે, તેના પર હર્ષ વ્યક્ત કરતા બાપુએ કહ્યું કે, એક ભારતીય હોવાના નાતે આપણને સૌને આ ક્ષણે ગર્વ અને અપાર આનંદ થાય તે સ્વાભાવિક છે. રમતગમત એ રાષ્ટ્રને એકતાના સૂત્રમાં બાંધવાનું કામ કરે છે અને આ જીતે કરોડો ભારતીયોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું છે. બાપુના આ આશીર્વચનો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે

(10:34 PM IST)