તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
સાણંદમાં ગેસની અછતે મોટું આર્થિક સંકટ ઉભું કર્યું મારુતિ-હોન્ડાના પાર્ટ્સનું ઉત્પાદન જોખમમાં !
ગેસ સપ્લાય ઘટતા સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ગુજરાત ગેસ વચ્ચે બેઠક: મારુતિ અને હોન્ડા જેવી ઓટો કંપનીઓની સપ્લાય ચેઇન ખોરવાવાની ભીતિ

અમદાવાદ નજીક આવેલા એશિયાના મહત્વના ઓટો હબ ગણાતા સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં હાલમાં નેચરલ ગેસના સપ્લાયમાં થયેલા ઘટાડાને લીધે ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલી ગેસની અછતની સીધી અસર હવે સ્થાનિક ઉત્પાદન પર પડવા લાગી છે. આ ગંભીર મુદ્દે સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) અને ગુજરાત ગેસ લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે તાકીદની બેઠક યોજાઈ હતી.
સાણંદ GIDC માં આવેલા અનેક ઉત્પાદન એકમો સીધી રીતે મારુતિ સુઝુકી અને હોન્ડા જેવી દિગ્ગજ ઓટોમોબાઈલ કંપનીઓ સાથે જોડાયેલા છે. જો ગેસ સપ્લાયમાં સતત વિક્ષેપ રહેશે, તો આ કંપનીઓને સમયસર સ્પેર પાર્ટ્સ અને કોમ્પોનેન્ટ્સ પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થશે. પરિણામે, મેન્યુફેક્ચરિંગ લાઈન ઠપ્પ થઈ શકે છે અને ઉદ્યોગોને તાળા મારવાની નોબત આવી શકે છે.
SIA ના પ્રમુખ અજિત શાહે બેઠકમાં રજૂઆત કરી હતી કે સાણંદમાં હજારો પરપ્રાંતીય અને સ્થાનિક શ્રમિકો કામ કરે છે. ગેસની અછતને લીધે જો એકમો બંધ થાય, તો આ શ્રમિકોની રોજીરોટી પર સીધી અસર પડશે. તેમણે સૂચન કર્યું હતું કે જે ઉદ્યોગો મહત્વપૂર્ણ સપ્લાય ચેઇન સાથે જોડાયેલા છે, તેમને ગેસ વિતરણમાં પ્રાથમિકતા આપવામાં આવે.
ગુજરાત ગેસના અધિકારીઓએ ઉદ્યોગકારોને ખાતરી આપી છે કે તેઓ સપ્લાય સ્થિર રાખવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. જોકે, તેમણે ઉદ્યોગકારોને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગેસનો ઉપયોગ સંયમપૂર્વક કરવા અને શિસ્ત જાળવવા સલાહ આપી છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
