<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

પતિની આવક અને જવાબદારી કરતાં વધી જાય એટલું ભરણપોષણ ન હોઇ શકે

ભરણપોષણના કેસોને લઈ ગુજરાત હાઈકોર્ટનો મહત્‍વનો ચુકાદો : પત્‍ની અને સંતાનના ભરણપોષણની રકમ બમણી કરવાના ફેમિલી કોર્ટના હુકમને હાઇકોર્ટે ગેરવાજબી અને અયોગ્‍ય ગણાવી રકમમાં ઘટાડો કર્યો

અમદાવાદ,તા.૧૦: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્‍યું છે કે, પતિ પર બાંધવામાં આવેલું ભરણપોષણ એટલુ બધુ વધુ પડતું પણ ના હોવુ જોઈએ કે, જે પત્‍નીની નિષ્‍ક્રિયા(આળસ)ને પ્રોત્‍સાહન આપે અથવા પતિની આવક અને જવાબદારીઓ કરતાં અપ્રમાણસર બને(વધી જાય). જાસ્‍ટિસ પી.એમ.રાવલે એક કેસમાં ફેમીલી કોર્ટ દ્વારા પતિ પર તેની પત્‍ની અને સંતાનના ભરણપોષણની રકમ બમણી કરવાના ફેમીલી કોર્ટના નિર્ણયને ગેરવાજબી અને અયોગ્‍ય ગણાવ્‍યો હતો. હાઇકોર્ટે ફેમીલી કોર્ટ દ્વારા ભરણપોષણની રકમ જે બમણી કરાઈ હતી, તેને ઘટાડો કરી તે હુકમમાં ફેરફાર કર્યો હતો. ફેમીલી કોર્ટ દ્વારા ભરણપોષણની રકમ બમણી કરવા અંગેના હુકમને પડકારતી અરજદાર પતિની રિટ અરજીમાં હાઇકોર્ટે આ ચુકાદો આપ્‍યો હતો.

હાઇકોર્ટે વધુમાં જણાવ્‍યું હતું કે, ફુગાવા અને કેસના બદલાયેલા સંજોગોના કારણે ભરણપોષણમાં વધારો થઇ શકે છે પરંતુ નક્કી કરેલી રકમ એટલી બધી વધુ પડતી ના હોવી જોઈએ કે, જે પત્‍નીની નિષ્‍ક્રિયતા(આળસ)ને પ્રોત્‍સાહન આપે અને પતિની આવક તેમ જ જવાબદારીઓ કરતાં વધી જાય. પત્‍ની કમાતી નથી અને ફુગાવાનો દર વધ્‍યો છે તે હકીકત ધ્‍યાનમાં રાખી ફેમીલી કોર્ટે ભરણપોષણની રકમ સીધી બમણી કરી દીધી છે. જો કે, કોઈ સ્‍પષ્ટ કારણો આપ્‍યા વિના અથવા તો આવા નિષ્‍કર્ષ પર આવવા અને ભરણપોષણની રકમ બમણી કરવા માટે કોઈ કારણો આપવામાં આવ્‍યા નથી. અરજદાર પતિ તરફથી કરાયેલી રિટ અરજીમાં જણાવાયું  હતું કે, સુરેન્‍દ્રનગર ફેમીલી કોર્ટે પત્‍નીને દર મહિને રૂ. ૨૫૦૦ અને સગીર બાળકને રૂ.૪૦૦૦ ભરણપોષણ ચૂકવવા અંગેના  હુકમમાં કોઇપણ વાજબી કારણો વિના વધારો કરી નાંખ્‍યો હતો. જેમાં પત્‍ની અને સંતાનને મળી કુલ રૂ.૬૫૦૦ દર મહિને ભરણપોષણ ચૂકવવાનું થતુ હતું તે રકમમાં વધારો કરી ભરણપોષણની રકમ સીધી બમણી એટલે કે, રૂ.૧૪૦૦૦ કરી દેવાઈ છે. પત્‍ની દ્વારા ભરણપોષણ વધારવાની અરજી રાખતાં ફેમીલી કોર્ટે વધારેલું ભરણપોષણ કાયદાકીય અને તાર્કિક રીત પણ ટકી શકે તેમ નથી. કારણ કે, પતિની આઇટી રિટર્નમાં દર્શાવેલી આવક માસિક રૂ.૨૫,૯૦૦ છે. ફેમીલી કોર્ટના હુકમના કારણે પતિને તેની માસિક આવકના ૫૦ ટકા ભરણપોષણમાં આપી દેવાની ફરજ પડશે. જે બિલકુલ ગેરવાજબી અને ગેરકાયદે  વાત છે. વળી, અરજદાર પર તેની વયોવૃધ્‍ધ ૭૬ વર્ષની બિમાર માતાના ભરણપોષણની ટ્ટ પણ જવાબદારી છે. આ સંજોગોમાં હાઈકોર્ટે ફેમીલી કોર્ટના હુકમમાં દરમ્‍યાનગીરી કરવી જોઈએ.

 

(10:10 AM IST)