News of Tuesday, 10th March 2026
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી શોકનું મોજું: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તમામ કાર્યક્રમો રદ કરી આપી ભાવાંજલિ
પ્રોટોકોલ છોડી પરિવારના સભ્યની જેમ જમીન પર બેઠા અને પાર્થિવ દેહને કાંધ આપી; જગદીશભાઈએ અંતિમયાત્રામાં જોડાઈને ભાજપની પારિવારિક ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

ઉમરેઠ: ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુખદ નિધનના સમાચાર મળતા જ સમગ્ર પંથક અને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ માઠા સમાચાર મળતાની સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ માનવીય સંવેદના અને સંગઠનની અતૂટ પારિવારિક ભાવનાનો પરિચય આપતા પોતાના અગાઉથી નિર્ધારિત તમામ સત્તાવાર કાર્યક્રમો તત્કાળ મોકૂફ રાખ્યા હતા અને સીધા ઉમરેઠ પહોંચ્યા હતા.
પરિવારના મોભી બનીને આપી સાંત્વના
દિવંગત નેતા ગોવિંદભાઈ પરમારના નિવાસસ્થાને પહોંચેલા પ્રદેશ અધ્યક્ષે કોઈ પણ પ્રકારના વીઆઈપી પ્રોટોકોલ કે હોદ્દાના પ્રભાવ વિના સાદગીપૂર્ણ રીતે પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી. તેઓ એક સામાન્ય કાર્યકર અને પરિવારના સભ્યની જેમ જમીન પર બેસી ગયા હતા, જે દ્રશ્ય જોઈને શોકમગ્ન પરિવારજનોએ પણ એક મોભીની હાજરી જેવી હૂંફ અનુભવી હતી. જગદીશભાઈની આ સંવેદનશીલતાએ ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.
અંતિમયાત્રામાં કાંધ આપી અને અશ્રુભીની વિદાય આપી
સ્વર્ગસ્થ ધારાસભ્યની અંતિમયાત્રામાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા જોડાઈ રહ્યા હતા. તેમણે ગોવિંદભાઈના પાર્થિવ દેહને કાંધ આપીને એક સાચા પક્ષના સાથી અને અંગત સ્વજન તરીકેની ફરજ નિભાવી હતી. સ્મશાનયાત્રામાં જોડાયેલા હજારો સમર્થકો અને કાર્યકરોની હાજરીમાં તેમણે દિવંગત આત્માને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભાજપની પારિવારિક કાર્યશૈલીનું ઉદાહરણ:
રાજકીય વ્યસ્તતા વચ્ચે પણ પોતાના સાથી કાર્યકરના દુઃખમાં આ રીતે સહભાગી થઈને જગદીશભાઈએ સાબિત કર્યું છે કે ભાજપ માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ એક પરિવાર છે. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી ઉમરેઠે એક મજબૂત નેતા ગુમાવ્યા છે, ત્યારે પ્રદેશ અધ્યક્ષની આ મુલાકાત અને તેમણે આપેલી કાંધ એ દિવંગત નેતાના વર્ષોના લોકસંપર્ક અને સેવાના કાર્યોનું સન્માન બની રહી હતી.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
