<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

દસક્રોઈના જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ: ઐતિહાસિક 'દ્વિશતાબ્દી પાટોત્સવ'માં ઉમટ્યું હરિભક્તોનું ઘોડાપૂર

ભગવાન અને મંદિર સાથેનું જોડાણ જ આપણા જીવન અને સંસ્કારોને સુરક્ષિત રાખશે, સ્ટેપ્લરની પિન સમાન સંગઠિત રહીને રાષ્ટ્રભક્તિ જગાડવા જગદીશભાઈ વિશ્વકર્માનું પ્રેરક આહવાન

જેતલપુર: અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકા સ્થિત સુપ્રસિદ્ધ જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે 'દ્વિશતાબ્દી પાટોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મહોત્સવમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ખાસ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કર્યા હતા અને વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી.

મંદિર સાથેનું જોડાણ એ સંસ્કારોનું રક્ષણ:
આ પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્માએ પ.પૂ.ધ.ધું કૌશલ્યપ્રસાદ મહારાજજી, પ.પૂ. તેજેન્દ્રપ્રસાદ મહારાજજી, પ.પૂ. વજેન્દ્રપ્રસાદ મહારાજજી તથા સ્વામી નિર્ગુણદાસજી મહારાજ સહિતના સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે એક માર્મિક ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, આ સંસ્થા એક સ્ટેપ્લર મશીન જેવું કાર્ય કરે છે અને આપણે સૌ તેની પીન સમાન છીએ. જેમ કરોડો રૂપિયાના મહત્વના દસ્તાવેજોને એક નાનકડી સ્ટેપ્લરની પીન સાચવી રાખે છે, તેમ જો આપણું જોડાણ મંદિર અને ભગવાન સાથે હશે તો જ આપણું જીવન અને સંસ્કારો સુરક્ષિત રહેશે. જો આ જોડાણ તૂટશે, તો જીવનનો સૌથી અગત્યનો કાગળ વિખેરાઈ જશે.

બાળપણના સંસ્મરણો અને જેતલપુરનો મહિમા:
પોતાના સંબોધનમાં તેમણે બાળપણના સ્મરણો વાગોળતા કહ્યું હતું કે, નાનપણમાં તેઓ ચાલીને જેતલપુર દર્શનાર્થે આવતા હતા. ૨૦૦ વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ પણ આ સ્થાનનો મહિમા આજે એટલો જ અકબંધ છે. ભગવાનની અસીમ કૃપાથી આજે જેતલપુરમાં જાણે એક આખું નગર વસ્યું હોય તેવો દિવ્ય સમૈયો ઉજવાઈ રહ્યો છે.

સેવાકીય પ્રકલ્પો અને રાષ્ટ્રભક્તિની પ્રશંસા:
મહોત્સવમાં આયોજિત વિવિધ પ્રદર્શનીઓની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ભારતીય સેનાએ આતંકવાદીઓ સામે આપેલા જડબાતોડ જવાબ 'ઓપરેશન સિંદૂર'ની પ્રદર્શની યુવા પેઢીમાં દેશભક્તિ જગાડનારી છે. આ ઉપરાંત, બાળનગરી, રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિ જેવા સેવાકીય પ્રકલ્પો સનાતન ધર્મના સાચા પ્રચારનું માધ્યમ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વોકલ ફોર લોકલ', 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા'ના સંકલ્પને સાકાર કરવા માટે હરિભક્તોને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવા વિનંતી કરી હતી.

વિશ્વ શાંતિ માટે ધૂન અને આત્મનિર્ભરતાનો સંકલ્પ:
વર્તમાન વૈશ્વિક યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને જગદીશભાઈ વિશ્વકર્માએ તમામ ભક્તોને વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે બે મિનિટ સ્વામિનારાયણ ધૂન કરવા આહવાન કર્યું હતું. અંતમાં, ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે સહુને સાથે મળી સહકાર આપવા અપીલ કરી હતી. આ ગરિમામય પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ સહિત ભાજપના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

(2:26 PM IST)