<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

બાયોમેડિકલ વેસ્‍ટનો વિસ્‍ફોટઃ નિયમોના ઉલ્‍લંઘનમાં ૫ ગણો ઉછાળો

બાયોમેડિકલ વેસ્‍ટ મેનેજમેન્‍ટના નિયમોના ભંગ બદલ ૨૦૨૪માં ૩૫૬૨ હેલ્‍થકેર અને વેસ્‍ટ ટ્રીટમેન્‍ટ સામે કાર્યવાહી : ગુજરાતમાં ૨૦૨૪માં દરરોજ ૫૬,૫૧૨ કિલો બાયોમેડિકલ વેસ્‍ટ પેદા થયો હતો, જે ૨૦૨૩માં ૫૧,૮૨૩ કિલો અને ૨૦૨૨માં ૪૭,૮૪૩ કિલો હતો

અમદાવાદ તા.૧૦:  હોસ્‍પિટલ, ક્‍લિનિક, લેબોરેટરીમાંથી નીકળતા કચરાને બાયોમેડિકલ વેસ્‍ટ કહેવામાં આવે છે. જેમાં રક્‍તવાળી પટ્ટી, ઈન્‍જેક્‍શન, કાચની શીશીઓ, શરીરના અંગો સહિત ઘણી વસ્‍તુઓ હોય છે. બાયોમેડિકલ વેસ્‍ટ પર્યાવરણ અને માનવી બંને માટે જોખમી હોવાથી તેના સુરક્ષિત નિકાલ માટે પીળી, લાલ, વાદળી એવા કલરની બેગનો ઉપયોગ કરવામાં આવે છે.  એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં બાયોમેડિકલ વેસ્‍ટના નિયમોના ઉલ્‍લંઘનમાં ૫ ગણાનો વધારો થયો છે.

સેન્‍ટ્રલ પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડના વાર્ષિક અહેવાલ મુજબ, બાયોમેડિકલ વેસ્‍ટ મેનેજમેન્‍ટના નિયમોના ભંગ બદલ ૨૦૨૪માં ૩૫૬૨ હેલ્‍થકેર અને વેસ્‍ટ ટ્રીટમેન્‍ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્‍યમાં ૨૦૨૪માં બાયોમેડિકલ વેસ્‍ટના નિયમોના ઉલ્‍લંઘનમાં પાંચ ગણાથી વધુનો ઉછાળો આવ્‍યો છે. ૨૦૨૩માં આ સંખ્‍યા ૬૬૧ અને ૨૦૨૨માં ૧૦૨૪ હતી.

રિપોર્ટ પ્રમાણે  ગુજરાતમાં ૨૦૨૪માં દરરોજ ૫૬,૫૧૨ કિલો બાયોમેડિકલ વેસ્‍ટ પેદા થયો હતો, જે ૨૦૨૩માં ૫૧,૮૨૩ કિલો અને ૨૦૨૨માં ૪૭,૮૪૩ કિલો હતો. આ માત્ર બે વર્ષ પહેલાંની સરખામણીએ દરરોજ લગભગ ૮૭૦૦ કિલો વધુ કચરો છે.

આ વધારો હેલ્‍થકેર ક્ષેત્રમાં આવેલા ઉછાળાને દર્શાવે છે. ગુજરાતમાં હવે ૪૧,૩૫૭ હેલ્‍થકેર સુવિધાઓ છે, જે ૨૦૨૩માં ૩૭,૩૯૬ અને ૨૦૨૨માં ૩૫,૮૦૪ હતી. આમાંથી ૧૩,૬૫૯ બેડ ધરાવતી હોસ્‍પિટલો છે, જ્‍યારે બાકીની ૨૭,૬૯૮ ક્‍લિનિક્‍સ અને ડાયગ્નોસ્‍ટિક સેન્‍ટર્સ જેવા નોન-બેડેડ યુનિટ્‍સ છે.

સૂત્રોએ જણાવ્‍યું કે, બાયોમેડિકલ વેસ્‍ટના ઉલ્‍લંઘનમાં થયેલો આ તીવ્ર વધારો ચિંતાજનક છે. બાયોમેડિકલ વેસ્‍ટનું અયોગ્‍ય અલગીકરણ અથવા નિકાલ ચેપ ફેલાવવાનું અને પર્યાવરણને પ્રદૂષિત કરવાનું જોખમ વધારે છે. ગુજરાતમાં હેલ્‍થકેર સુવિધાઓના ઝડપી વિસ્‍તરણ સાથે મોનિટરિંગ અને પાલન કરવાની પ્રક્રિયા મજબૂત કરવી જોઈએ. જો બાયોમેડિકલ વેસ્‍ટનો યોગ્‍ય રીતે નિકાલ કરવામાં ન આવે, તો તે કચરો ઉપાડનારાઓ, હોસ્‍પિટલ સ્‍ટાફ અને સમાજ માટે ગંભીર જોખમ ઊભું કરે છે. વેસ્‍ટ ટ્રીટમેન્‍ટની સંપૂર્ણ સુવિધા હોવા છતાં પાંચ ગણો ઉછાળો આવતા, CPCB એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ ખામીઓ દૂર કરવા જણાવ્‍યું છે. 

રાજ્‍યમાં હોસ્‍પિટલના બેડની સંખ્‍યા ૨૦૨૨માં ૨,૨૩,૯૯૭ હતી જે ૨૦૨૪માં વધીને ૨,૫૪,૭૧૪ થઈ ગઈ છે. તમામ બાયોમેડિકલ વેસ્‍ટની સારવાર અને નિકાલ ૨૨ કોમન ટ્રીટમેન્‍ટ ફેસિલિટી દ્વારા કરવામાં આવે છે. રાજ્‍યમાં એક પણ હેલ્‍થકેર યુનિટ પોતાનો ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ કે ઇન્‍સિનરેટર ચલાવતું નથી.

(3:44 PM IST)