News of Tuesday, 10th March 2026
ઈરાન યુદ્ધથી ગુજરાતના સિરામિક, મસાલા માર્કેટ , કેમિકલ સહિતના ઉદ્યોગો પર સંકટના વાદળો ઘેરાયા
પેપરમિલ, રસાયણ, બ્રાસ, પ્લાસ્ટિક, પેકેજિંગ અને મસાલા ઉદ્યોગો યુદ્ધની પરિસ્થિતિને કારણે હજારો એકમો બંધ થવાની ભીતિ

અમદાવાદ :મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચેના તણાવે વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દીધું છે, અને તેની સીધી તથા ગંભીર અસર ગુજરાતના ઉદ્યોગો પર પણ જોવા મળી રહી છે. રાજ્યના સિરામિક, પેપરમિલ, રસાયણ, બ્રાસ, પ્લાસ્ટિક, પેકેજિંગ અને મસાલા ઉદ્યોગો યુદ્ધની પરિસ્થિતિને કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે, જેના પરિણામે હજારો એકમો બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે.
જામનગરના બ્રાસ ઉદ્યોગ પર ગંભીર સંકટ, કાચા માલની તીવ્ર અછત સર્જાઈ
વૈશ્વિક સ્તરે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે 'બ્રાસ સિટી' જામનગરના પ્રખ્યાત બ્રાસ ઉદ્યોગ પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. દરિયાઈ માર્ગો પ્રભાવિત થતા વિદેશથી આયાત થતા બ્રાસના ભંગારના કન્ટેનરો અધવચ્ચે અટવાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક બજારમાં કાચા માલની તીવ્ર અછત સર્જાઈ છે. જામનગરનો બ્રાસ ઉદ્યોગ 70% જેટલો આયાતી ભંગાર પર નિર્ભર હોવાથી, સપ્લાય ચેઈન ખોરવાતા ભાવો આસમાને પહોંચવાની અને ઉદ્યોગના પૈડાં થંભી જવાની શક્યતા છે. જો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્થિતિ સામાન્ય નહીં થાય, તો કાચા માલના અભાવે હજારો કામદારોની આજીવિકા પર મોટું જોખમ ઊભું થઈ શકે તેમ છે.
રાજકોટના 2000 પ્લાસ્ટિક કારખાના અને મોરબીનો પેકેજિંગ ઉદ્યોગ સંકટમાં
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ જેવી વૈશ્વિક અશાંતિને કારણે સૌરાષ્ટ્રના પ્લાસ્ટિક અને પેકેજિંગ ઉદ્યોગમાં ભારે કટોકટી સર્જાઈ છે. રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, રો-મટિરિયલના ભાવમાં અસાધારણ વધારો અને તીવ્ર અછતને કારણે સૌરાષ્ટ્રમાં આશરે 2000 પ્લાસ્ટિક કારખાના બંધ થઈ ગયા છે, જેનાથી હજારો મજૂરોની રોજગારી છીનવાઈ છે. બીજી તરફ, મોરબીમાં પણ સિરામિક ઉદ્યોગમાં મંદી અને કાચા માલના ભાવવધારાને કારણે પેકેજિંગ ઉદ્યોગે બોક્સના ભાવમાં 8 થી 10 ટકાનો વધારો જાહેર કર્યો છે. શિપિંગ ભાડામાં વધારો અને પેટ્રોકેમિકલ આધારિત સામગ્રીની અછતને પગલે ઉદ્યોગકારોએ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ અને ભાવ નિયંત્રણ માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
ઊંઝા APMCમાં મસાલાની નિકાસને અસર
ઉત્તર ગુજરાતના ઊંઝા APMC, જે એશિયાનું સૌથી મોટું મસાલા માર્કેટ છે, ત્યાં પણ યુદ્ધની અસર જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે મસાલાની નિકાસ લગભગ ઠપ્પ થઈ ગઈ છે. ઊંઝા માર્કેટમાંથી જીરાની નિકાસ દુનિયાના ઘણા દેશોમાં થાય છે, જેમાં મુખ્યત્વે ચીન, બાંગ્લાદેશ, યુએઈ, અમેરિકા અને મોરોક્કો સહિતના દેશોમાં ઊંઝા માર્કેટ મારફતે મસાલા અને જીરાની નિકાસ કરવામાં આવે છે.
હાલના આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને તણાવના કારણે શિપિંગ રૂટમાં જોખમ વધવાથી નિકાસનો ખર્ચ વધ્યો છે, માલ પહોંચવામાં મોડું થાય છે અને ઓર્ડર તથા ભાવમાં અસ્થિરતા જોવા મળે છે. નિકાસ અટકી પડવા ઉપરાંત, દરિયાઈ માર્ગે હુમલાના જોખમને કારણે શિપિંગ કંપનીઓએ કન્ટેનર ભાડામાં 5 થી 6 ગણો વધારો કર્યો છે, અને મરીન ઈન્સ્યોરન્સ (વીમો) પણ બમણો થઈ ગયો છે. સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર, જૂના ઓર્ડરો ખોરવાયા છે અને વિદેશમાં મોકલેલા માલના પેમેન્ટ પણ અટવાઈ પડ્યા છે.
મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસની અછતનો મોટો ફટકો
મોરબી, જે વિશ્વના સિરામિક હબ તરીકે જાણીતું છે, ત્યાં ગેસની અછતને કારણે 300થી વધુ સિરામિક એકમો પહેલેથી જ બંધ થઈ ચૂક્યા છે. જો આ સ્થિતિ એક સપ્તાહ સુધી ચાલુ રહેશે તો વધુ 200થી 250 યુનિટોને તાળા લાગી જશે તેવી આશંકા છે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર, યુદ્ધને પગલે ગલ્ફ દેશોમાંથી આવતો ગેસ સપ્લાય ખોરવાઈ ગયો છે. પ્રોપેન ગેસનો ઉપયોગ કરતા 60% સિરામિક એકમો પાસે માત્ર 1-2 દિવસનો જ પુરવઠો બચ્યો છે, અને જો યુદ્ધ લાંબુ ચાલશે તો 90% સિરામિક ઉદ્યોગોને શટડાઉન કરવાની ફરજ પડશે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
