<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

રાજ્યના રસ્તાઓ વિકાસની રક્તવાહિનીઓ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ તેને ધબકતું રાખવાનું કાર્ય કરે છે: મંત્રી જીતુભાઈ વાઘાણી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના '7C' વિઝન સાથે ગુજરાતનું પરિવહન ક્ષેત્ર થશે 'ટ્રાન્સફોર્મ': ગત વર્ષે ૧૫૦૦ નવી બસોના લક્ષ્યાંક સામે રાજ્ય સરકાર દ્વારા ૧૭૮૬ નવીન બસો પ્રજાની સેવામાં મુકાઈ:આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓના સુરક્ષિત પરિવહન માટે ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાઓમાં રૂ. ૧૨૯.૦૪ કરોડના ખર્ચે ૫૦૦ નવી મીની બસો ફાળવાઇ

ગાંધીનગર :ગુજરાત વિધાનસભા ખાતે વાહન વ્યવહાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ વાહન વ્યવહાર વિભાગ માટે જોગવાઈમાં માતબર વધારો કરવામાં આવ્યો છે.
મંત્રી વાઘાણીએ રાજ્યના રસ્તાઓને 'રક્તવાહિની' અને એસ.ટી. બસોને 'રક્તકણો' સાથે સરખાવતા કહ્યું હતું કે, ગુજરાતના આ રસ્તાઓ અને તેના પર ચાલતી રાજ્ય વાહન વ્યવહાર વિભાગની ST બસોએ રાજ્યના વિકાસનો નકશો બદલી નાખ્યો છે. આજે સમગ્ર રાષ્ટ્ર ગુજરાતના વાહન વ્યવહાર માળખાથી પ્રભાવિત થઈને પ્રેરણા લઈ રહ્યું છે.
મંત્રીએ ગત વર્ષે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, છેવાડાના ગરીબ પરિવારો પણ આસ્થાના આ મહાકુંભમાં ડૂબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો હતો. ગુજરાત ST અને પ્રવાસન નિગમ દ્વારા ખાસ પેકેજ અંતર્ગત ૨૪ અત્યાધુનિક વોલ્વો બસો થકી ૧૪૦ ટ્રીપ દ્વારા ૬૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓને મુસાફરી અને સ્ટાર રેટેડ હોટલમાં રોકાણની સુવિધા પુરી પાડી હતી.
નવીન બસો અને માળખાગત સુવિધાઓ અંગે મંત્રીએ કહ્યું કે, ગત વર્ષે ૧૫૦૦ નવી બસોના લક્ષ્યાંક સામે રાજ્ય સરકાર દ્વારા ૧૭૮૬ નવીન બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. જેમાં ૧૧૧ બસો ખાસ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વડાપ્રધાન દ્વારા લોકાર્પિત કરાઈ છે. ટૂંક જ સમયમાં વધુ ૧૮૨ નવી બસો પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં ૧૦૦ વોલ્વો અને ૧૦૦ એસી પ્રીમિયમ બસો પણ શરૂ કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીના '7C' વિઝન અને લક્ષ્યાંક અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનું પરિવહન ક્ષેત્ર વડાપ્રધાનશ્રીના 7C એટલે કે, કોમન, કનેક્ટેડ, કન્વીનિયન્ટ, કન્જેકશન ફ્રી, ચાર્જ્ડ, ક્લીન અને કટિંગ એજ ટેકનોલોજીના આધાર પર કાર્ય કરી રહ્યું છે. 
મંત્રીએ ઉમેર્યું કે, છેલ્લા ૨ વર્ષમાં એસ.ટી.ના દૈનિક મુસાફરોની સંખ્યા ૨૫ લાખથી વધીને ૨૭ લાખ થઈ છે, જેને ૨૦૨૭ સુધીમાં ૩૦ લાખ સુધી પહોંચાડવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. વધુમાં, આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓના સુરક્ષિત પરિવહન માટે ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાઓમાં રૂ. ૧૨૯.૦૪ કરોડના ખર્ચે ૫૦૦ નવી મીની બસો ફાળવવામાં આવી છે.
એસ.ટી. નિગમ એ માત્ર નફા-નુકસાનની પેઢી નથી પણ 'કલ્યાણ રાજ્ય'નો હેતુ સિદ્ધ કરવાનું માધ્યમ છે, જે સાડા છ કરોડ ગુજરાતીઓની પાંખો બની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વિધાનસભા ગૃહમાં વાહનવ્યવહાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.

(8:44 PM IST)