<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં અંદાજે ૬૦૦૦ થી વધુ જગ્યાઓ માટે આ વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે :પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ

પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય અનુદાનોની માંગણી વિધાનસભામાં પસાર:૧૬મા નાણાંપંચ હેઠળ વર્ષ: ૨૦૨૬-૨૭ માં ગુજરાતને અંદાજે ₹.૨૪૧૫ કરોડ અને આગામી પાંચ વર્ષમાં અંદાજે ₹.૧૮,૮૦૨ કરોડ મળવાની ધારણા: વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસના નિર્માણ માટે ₹. ૪૦૬.૨૧ કરોડની જોગવાઈ

ગાંધીનગર :પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ ૨૦૨૬-૨૭ની  અંદાજપત્રીય અનુદાનોની માંગણીઓના જવાબમાં વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ₹.૧૦૭૦.૫૨ કરોડનો વધારો કરીને પંચાયત પ્રભાગ માટે ₹. ૯૩૭૮.૭૮ કરોડની અને ગ્રામ વિકાસ પ્રભાગ માટે ₹.૫૪૭૯.૦૭ કરોડ આમ કરીને કુલ ₹.૧૪૮૫૭.૮૫ કરોડની બજેટમાં જોગાવાઇ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય વિભાગો આરોગ્ય, શિક્ષણ, ICDS, વગેરે મારફતે જે તે વિભાગીય પ્રવૃતિ માટે ગ્રામ્ય કક્ષાની સુવિધાઓને સુદ્રઢ કરવા માટે પણ અલાયદું બજેટ ફાળવવામાં આવે છે.
સ્વચ્છતા સંબંધિત વિવિધ પહેલોને એકીકૃત કરીને “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના” અમલમા મુકાઇ છે.
ડોર-ટુ-ડોર કચરા, ઘન કચરો પ્રક્રિયા એકમો, કચરા વ્યવસ્થાપન, કોમ્પોસ્ટિંગ અને ગ્રામ્ય સ્વચ્છતા અભિયાનને એક જ માળખા હેઠળ લાવવામાં આવશે.
વર્ષ ૨૦૨૬–૨૭માં આ સંકલિત યોજના માટે ₹.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા, યુવા-મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર “અટલવાડી” નિર્માણ કરવા માટે વર્ષ ૨૦૨૬–૨૭માં ₹.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી ગ્રામ્ય વિકાસ માટે  માળખાગત કામો ગુણવત્તાસભર અને ભવિષ્યલક્ષી બને તે માટે Project Management Unit વિકસાવવુ જરુરી જણાતા  રાજ્ય સરકારે વિકાસ કમિશનર કચેરી ખાતે PMU અને દરેક જિલ્લામાં PMC સ્થાપવાની વ્યવસ્થા કરી છે.
જેના માટે ₹. ૭.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વધતા વિકાસકામો અને વહીવટી જટિલતા ધ્યાનમાં રાખી ૧૨૭ વિસ્તરણ અધિકારી અને ૨૨૨ મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, જેના માટે અંદાજે રૂ. ૬.૬૬ કરોડનો વાર્ષિક ખર્ચ થશે. 
બનાસકાંઠાના વિભાજન બાદ રચાયેલા વાવ–થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતો માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
આ વર્ષે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં ૬૦૦૦થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા, યુવા-મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર “અટલવાડી” નિર્માણ કરવા માટે વર્ષ ૨૦૨૬–૨૭માં ₹.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
લોકશાહીના મૂલ્યોને વધુ દ્રઢ બનાવવા અમલી 'સમરસ ગ્રામ યોજના' હેઠળ અત્યાર સુધી ૧૫,૫૫૪ સમરસ ગામો જાહેર થયા છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ યોજના હેઠળ ₹.૭૦.૦૦ કરોડની જોગવાઈ કરવમાં આવી છે.
ગરીબ કલ્યાણ મેળા એ ગુજરાતના વિકાસ મોડલમાં  વચેટિયામુક્ત વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. ૧,૬૩૯ મેળાઓ યોજીને ૧૯૧.૧૨ લાખ લાભાર્થીઓને ₹૪૧,૩૬૮.૯૭ કરોડની સીધી સહાય આપી છે.  
પંચાયતોના મૂલ્યાંકન માટે ભારત સરકારે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) અમલમાં મૂક્યો છે, જેમાં SDGની ૯ થીમ આધારિત મૂલ્યાંકન થાય છે. સમગ્ર દેશમાં PAI-A કેટેગરીમાં આવેલી ૬૯૯ ગ્રામ પંચાયતોમાંથી ૩૪૬ ગુજરાતની છે, જે રાજ્યની આગવી સિદ્ધિ દર્શાવે છે.
ગુજરાત રાજ્યમાં સતત થઇ રહેલ શહેરીકરણની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરોની સમકક્ષ આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત તાલુકા મુખ્ય મથક હોય અને નગરપાલિકા ન હોય તેવી ૧૧૪ ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ માટે ₹.૧૦૦ કરોડની નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
અંદાજપત્રના અનુદાનોની આ તમામ માંગણીઓ વિધાનસભામાં પસાર કરાઇ હતી

(8:52 PM IST)