News of Wednesday, 11th March 2026
સુરત જિલ્લાના સાયણ પાસે ગોથાણ રેલ્વે બ્રીજ પાસેથી ઓલપાડ પોલીસે 3.7 કિલો ગાંજા સાથે બે શખ્શો ઝડપ્યા
ઓલપાડ પોલીસે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરત ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની બદી નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલા 'નો ડ્રગ્સ ના કેમ્પેઇન અંતર્ગત ઓલપાડ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગોથાણ રેલ્વે બ્રીજ પાસેથી 3.745 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત 1,87,250 રૂપિયા આંકવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સી.આર. જાદવ, એ.જે. દેસાઈ અને સબ ઇન્સ્પેક્ટર એસ.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગણપતભાઈને બાતમી મળી હતી કે, કાળા કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલ (નંબર GJ-05-NR-7098) પર બે વ્યક્તિઓ ગોથાણ રેલ્વે સ્ટેશનથી ગાંજાનો જથ્થો લઈને દેલાડ ગામ તરફ વેચાણ માટે જઈ રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે ઉમરા ગોથાણ રેલ્વે બ્રીજ પાસે ધર્મનંદન સોસાયટી જવાના રસ્તા પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ બાઈક સવારોને અટકાવી તેમની તલાશી લેવામાં આવી હતી.
પોલીસે ઝડપેલા આરોપીઓમાં દીપક ભંજકિશોરદાસ સ્વાઈન (ઉંમર 20 (રહે. શ્રી હરી રેસીડેન્સી, સાયણ, મૂળ રહે. ગંજામ, ઓરિસ્સા) અને દીપક કાર્તિક નાયક (ઉંમર 22)( રહે. વ્રજભૂમિ રેસીડેન્સી, સાયણ, મૂળ રહે. ગંજામ, ઓરિસ્સા) નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2,47,730 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 3.745 કિલોગ્રામ ગાંજો (કિંમત 1,87,250 રૂપિયા), 2 મોબાઈલ ફોન (કિંમત 20,000 રૂપિયા), 1 મોટર સાયકલ (કિંમત 40,000 રૂપિયા) અને રોકડ 480 રૂપિયાનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો પૂરો પાડવામાં આલોક નાયક (રહે. સાયણ) સંડોવાયેલો હતો.આ ઉપરાંત ગોથાણ રેલ્વે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ફેંકનાર એક અજાણ્યા શખ્સને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
ઓલપાડ પોલીસે આ મામલે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
