<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

રાજ્યમાં આકરી ગરમીને કારણે શાળાઓના સમય બદલવાની માગ :અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર

રાજયમાં વધતી ગરમીને પગલે અનેક વિસ્તારોમાં 'યલો એલર્ટ'જાહેર :બપોરના સમયે આકરા તડકા અને લૂના કારણે નાના બાળકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થવાની ભીતિ

અમદાવાદ :ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. રાજ્યના અનેક શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. મહાસંઘે રાજ્યના શિક્ષણ મંત્રીને સત્તાવાર પત્ર લખીને ઉનાળાના વેકેશન સુધી તમામ શાળાઓનો સમય સવારનો કરવાની માંગ કરી છે.

હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં વધતી ગરમીને પગલે અનેક વિસ્તારોમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને બપોરના સમયે આકરા તડકા અને લૂના કારણે નાના બાળકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. શૈક્ષિક મહાસંઘના મતે, બપોરના સમયે શાળાએથી છૂટતી વખતે અથવા શાળાએ જતી વખતે વિદ્યાર્થીઓ સીધા આકરા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે. આ પરિસ્થિતિમાં બાળકોને હીટ સ્ટ્રોક , ડિહાઈડ્રેશન અને ચક્કર આવવા જેવી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મહાસંઘે કરેલી રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે માત્ર પ્રાથમિક જ નહીં, પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધીની તમામ શાળાઓનો સમય સવારનો કરવામાં આવે તો વિદ્યાર્થીઓને મોટી રાહત મળી શકે છે. હાલમાં ઘણી શાળાઓ બપોરના 12 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલતી હોય છે, જે સમય ગરમીની દ્રષ્ટિએ સૌથી જોખમી સાબિત થાય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં વિદ્યાર્થીઓએ લાંબા અંતર સુધી ચાલીને કે સાઈકલ પર શાળાએ જવું પડે છે, ત્યાં સ્થિતિ વધુ ચિંતાજનક છે.

(1:26 PM IST)