<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

GSWAN નેટવર્ક થકી જિલ્લાથી તાલુકા અને તાલુકાથી નાગરિકોના ઘર સુધી ડેટા નેટવર્ક પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ : ડેટા નેટવર્કના સુદ્રઢ માળખાના નિર્માણ માટે દેશમાં ગુજરાતનું અગ્રીમ સ્થાન : સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયા

જીસ્વાન સંબંધિત ફરિયાદોના અસરકારક નિરાકરણ અને મોનિટરિંગ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ હેલ્પ ડેસ્ક સિસ્ટમ કાર્યરત : સેવાની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી ફરિયાદો સ્થિતિનું સતત મોનિટરિંગ પણ યથાવત

અમદાવાદ તા.૧૧ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'ડિજિટલ ઈન્ડિયા'ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે.  ગુજરાતમાં વર્ષ ૨૦૦૧થી જીસ્વાન નેટવર્કની ૩૪ Mbps   સ્પીડથી શરૂઆત કરીને આજે કલેકટર કચેરીઓનું એક Gbpsની સ્પીડથી નેટવર્ક જોડાણ જ્યારે તાલુકા અને મામલતદાર કચેરીઓમાં ૨૦૦ થી ૫૦૦ Mbpsની સ્પીડ નેટવર્કનું જોડાણ આપવામાં  આવ્યું છે તેમ, વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય શ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં  સાયન્સ અને ટેકનોલોજી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું.

 

 મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક- GSWAN ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે તેના આધુનિકીકરણ અને અપગ્રેડેશન માટે આગામી વર્ષના બજેટમાં રૂ.૧૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય ડેટા નેટવર્કના સુદ્રઢ માળખાના નિર્માણ માટે અગ્રીમ સ્થાન ધરાવે છે.

 

 વઘુમાં તેઓશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત  ફાઈબર ગ્રીડ નેટવર્કથી રાજ્યના જિલ્લાથી તાલુકા અને તાલુકાથી નાગરિકોના ઘર સુધી ડેટા નેટવર્ક પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ છે.

 

આ ઉપરાંત જીસ્વાન  સંબંધિત ફરિયાદોના અસરકારક નિરાકરણ અને મોનિટરિંગ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ હેલ્પ ડેસ્ક સિસ્ટમ કાર્યરત છે. સેવાની ગુણવત્તા  જળવાઈ રહે તે હેતુથી ફરિયાદો સ્થિતિનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે

(4:51 PM IST)