<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

ગુજરાત વિધાનસભામાં કાયદો-વ્યવસ્થા માટે ₹૧૬,૯૬૭ કરોડની બજેટ માંગણીઓ પસાર: ગૃહ વિભાગ એ રાજ્યની ઢાલ અને ન્યાયતંત્ર રાજદંડ છે - હર્ષભાઈ સંઘવી

ગુનેગારો માટે ‘ઝીરો ટોલરન્સ’ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય એ સરકારનો મંત્ર - ભૂમાફિયાઓ સામે ‘દાદાનું બુલડોઝર’ યથાવત રહેશે અને આતંકવાદ-ડ્રગ્સ સામેની લડાઈ વધુ તેજ બનશે - નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગર:ગુજરાત વિધાનસભામાં ગૃહ, જેલ અને ન્યાય વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો ધારદાર પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યની સુરક્ષા અને સુશાસન અંગે સરકારની અટલ કટિબદ્ધતા દોહરાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિકાસની કોઈપણ ઈમારત મજબૂત કાયદો અને વ્યવસ્થાના પાયા વગર શક્ય નથી. આ વર્ષના અંદાજપત્રમાં ગૃહ વિભાગ માટે ₹૧૪,૨૬૫ કરોડ અને કાયદા-ન્યાયતંત્ર માટે ₹૨,૭૦૨ કરોડ મળી કુલ ₹૧૬,૯૬૭ કરોડની ઐતિહાસિક જોગવાઈ ગૃહ દ્વારા પસાર કરવામાં આવી છે. હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું કે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનો અભિગમ સ્પષ્ટ છે: "દયા અને દાદાગીરી બંને એકસાથે નહીં ચાલે."
'BHARAT' વિઝનથી સુરક્ષા વ્યવસ્થા આધુનિક બનશે
રાજ્યની સુરક્ષાને છ મુખ્ય સ્તંભો દ્વારા વધુ સુદ્રઢ બનાવવા 'BHARAT' (B.H.A.R.A.T.) વિઝન અમલી બનાવાશે. આ વ્યૂહરચના હેઠળ પાકિસ્તાન સાથેની ૫૧૨ કિમીની આંતરરાષ્ટ્રીય સરહદ અને ૨૩૦૦ કિમી લાંબા દરિયાકાંઠા પર અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરાશે. 'ડાયલ ૧૧૨ જન રક્ષક' પ્રોજેક્ટના સફળ અમલીકરણથી પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર ૧૧ મિનિટ ૨૩ સેકન્ડ થયો છે. આ ઉપરાંત, 'VISWAS' પ્રોજેક્ટ અને ટેકનોલોજી-ડ્રિવન પોલીસિંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'નવા ભારતના સપના'ને સાકાર કરવામાં આવશે.
ભૂમાફિયાઓ પર બુલડોઝર અને આતંકીઓ પર ત્રાટકતી ATS
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ, સોમનાથ સહિતના જિલ્લાઓમાં ૭,૯૦૨ ગેરકાયદે સાઇટ્સ પર બુલડોઝર ફેરવી ₹૨,૨૪૬ કરોડની ૧,૮૦૭ હેક્ટર સરકારી જમીન મુક્ત કરાવાઈ છે. આતંકવાદ સામેની લડાઈમાં ગુજરાત ATS એ વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૬ દરમિયાન અલ-કાયદા અને ISKP ના ૨૯ ખતરનાક આતંકીઓની ધરપકડ કરી છે, જેમાં અયોધ્યા રામ મંદિર પર હુમલાનું ષડયંત્ર રચનાર આતંકીનો પણ સમાવેશ થાય છે.
ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી અને સીમા સુરક્ષા
ગુજરાતને બદનામ કરવાના વિપક્ષી ષડયંત્રોનો જવાબ આપતા હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે અત્યાર સુધીમાં ₹૧૪ હજાર કરોડથી વધુની કિંમતનું ૧ લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરી ૪,૩૧૬ માફિયાઓને જેલભેગા કરાયા છે. સીમા સુરક્ષા અંગે તેમણે ચેતવણી આપી હતી કે જો કોઈ ગુજરાતની સરહદ તરફ મેલી આંખ કરશે તો પોલીસ તેની આંખ કાઢી લેવાની તાકાત રાખે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધીને ડિપોર્ટ કરવાની કામગીરી પણ વેગવંતી બનાવાઈ છે.
પોલીસ આવાસ અને દીકરીઓની સુરક્ષા માટે ઐતિહાસિક નિર્ણયો
 * આવાસ: ઇતિહાસમાં પ્રથમવાર પોલીસ પરિવારો માટે ૨૦,૪૦૦થી વધુ નવા આવાસોને મંજૂરી અપાઈ છે. કોન્સ્ટેબલ અને જેલ સિપાહીઓ માટે જૂના ૧-BHK ને બદલે હવે ૨-BHK ના સુવિધાજનક મકાનો આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
 * પોક્સો અને સજા: છેલ્લા ચાર વર્ષમાં પોક્સો એક્ટ હેઠળ ૯૦૭ ગુનેગારોને આજીવન કેદ અને ૧૪ નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તપાસ પ્રક્રિયા એટલી ઝડપી બનાવાઈ છે કે અનેક કેસોમાં ૧૫ થી ૩૦ દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ છે.
 * ન્યાયિક સુધારા: બાળકો વિરુદ્ધના ગુનાઓમાં મદદ માટે 'પેરા લીગલ વોલેન્ટિયર્સ'ની નિમણૂક થશે. રાજ્યમાં ૧૮ નવી એક્સ્ક્લુઝીવ ફાસ્ટ-ટ્રેક પોક્સો કોર્ટ અને મેઘરજ, કોડિનાર જેવા વિસ્તારોમાં નવી સિનિયર સિવિલ જજ કોર્ટ શરૂ કરાશે.
અંતે, હર્ષભાઈ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત પોલીસ અને ન્યાયતંત્રનો આ સમન્વય સામાન્ય જનતા માટે આશાનું કિરણ અને ગુનેગારો માટે કાળ સાબિત થશે. તમામ વિભાગોની અંદાજપત્રીય માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી.

(7:07 PM IST)