તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવો એ ઈશ્વર્ય કાર્ય : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ખેડૂતોને જીવામૃત ઘનજીવામૃતની તાલીમ આપી ઝેરમુક્ત ખેતી તરફ દોરી જવું જરૂરીઃ

નવસારી જિલ્લાના રૂમલા ખાતે આત્મા પ્રોજેક્ટ નવસારી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને જિલ્લા ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત નવસારીના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો હતો.આ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP) અને કૃષિ સખીઓ સાથે સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર કરવા માટે કાર્યરત દરેક વ્યક્તિ વાસ્તવમાં કૃષિ સેવક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ખેડૂતોને ઝેરમુક્ત ખેતી તરફ પ્રેરિત કરવી અને તેમને પ્રાકૃતિક ખેતી વિશે યોગ્ય માહિતી પહોંચાડવી એ એક પવિત્ર તથા ઈશ્વરીય કાર્ય છે. ધરતી માતાની સેવા માટે સમર્પિત થઈને કાર્ય કરનાર દરેક વ્યક્તિ પર ભગવાનની કૃપા હંમેશા રહે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તાલીમ કાર્યક્રમો દરમિયાન ખેડૂતોને જીવામૃત અને ધનજીવામૃત બનાવવાની યોગ્ય રીત સમજાવવી ખૂબ જરૂરી છે. જો ખેડૂતો આ પદ્ધતિઓ અપનાવે તો તેઓ રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી દૂર રહીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી શકે છે. પરિણામે જમીનની ઉર્વરતા જળવાઈ રહે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.
રાજ્યપાલએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નથી પરંતુ તે પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને ધરતી માતાના સંરક્ષણ સાથે જોડાયેલ એક જીવનદ્રષ્ટિ છે. તેથી કૃષિ સખીઓ અને કોમ્યુનિટી રિસોર્સ પર્સનોએ ગામે ગામ જઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરી વધુમાં વધુ ખેડૂતોને આ અભિયાન સાથે જોડવાના પ્રયત્નો કરવા જોઈએ.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
