News of Thursday, 12th March 2026
અમદાવાદમાં આકરી ગરમીના કારણે શહેરના 70 મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય
CREDAI અને અન્ય સંસ્થાઓના સહયોગથી 24 જેટલા સ્થળોએ ગ્રીન નેટ લગાવવામાં આવશે, જેથી લોકોને સીધા તડકાથી બચાવી શકાય.

અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ આકરી ગરમીમાં વાહનચાલકોને રાહત આપવા માટે શહેરના 70 મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે ચાર રસ્તાઓ પર ટ્રાફિક વધુ હોવાથી સિગ્નલ ચાલુ રાખવા અનિવાર્ય છે, ત્યાં CREDAI અને અન્ય સંસ્થાઓના સહયોગથી 24 જેટલા સ્થળોએ ગ્રીન નેટ લગાવવામાં આવશે, જેથી લોકોને સીધા તડકાથી બચાવી શકાય.
શહેરીજનોની સુવિધા માટે આરોગ્ય વિભાગ દ્વારા સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી હાલમાં 350 પાણીની પરબો શરૂ કરાઈ છે, જેની સંખ્યા આગામી દિવસોમાં વધારીને 1,000 થી વધુ કરવામાં આવશે. આ ઉપરાંત, AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર પણ પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. ગરમીથી બચવા માટે શહેરના તમામ બાગ-બગીચાઓ હવે સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે, જેથી લોકો ઠંડકનો આશરો લઈ શકે
બપોરના સમયે આકરા તડકાથી બચવા માટે બાંધકામ સાઇટો પર કામ કરતા શ્રમિકો માટે બપોરે 1થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાની સૂચના અપાઈ છે. ખાસ કરીને ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન આ નિયમનું કડક પાલન કરવાનું રહેશે. આ સાથે જ આંગણવાડી, શાળાઓ અને સફાઈ કામદારોના કામના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી તેઓ હીટવેવની સીધી અસરમાં ન આવે.
AMCના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને અચાનક ચક્કર આવે, ઉલટી થાય કે અતિશય માથાનો દુખાવો જેવી સમસ્યા જણાય, તો વિલંબ કર્યા વગર નજીકના UHC અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે. ગરમીના આ દિવસોમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને મહત્તમ પાણી પીવું હિતાવહ છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
