News of Thursday, 12th March 2026
એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કિસ્સામાં ૫ ગણો ઉછાળો આવ્યો
છેલ્લા ૩ વર્ષમાં હેલ્પલાઇન ૧૮૧ અભયમ પર લગ્નેતર મુદ્દાઓ સંબંધિત ૧૦,૦૦૦ થી વધુ કોલ્સ આવ્યા ઘરેલું હિસાના કોલ્સનો હિસ્સો ૨૦૧૬ માં ૩૨% (૩૬,૦૦૦ કોલ્સ) હતો, જે ૨૦૨૫ માં વધીને ૪૬% (૯૦,૦૦૦ કોલ્સ) થયો છે

અમદાવાદ તા.૧૨: ગુજરાતમાં એકસ્ટ્રા મેરિટલ અફેર્સ (લગ્નેતર સંબંધો)ના કિસ્સા વધી રહ્યા છે. જેના કારણે મહિલાઓની મુશ્કેલી વધી છે. ૧૮૧ અભયમ હેલ્પલાઈન મુજબ, રાજ્યમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કિસ્સામાં ૫ ગણો ઉછાળો આવ્યો છે. વર્ષે ૧૦ હજારથી વધુ કોલ્સ આવી રહ્યા છે.છેલ્લા ૩ વર્ષમાં હેલ્પલાઇન પર લગ્નેતર મુદ્દાઓ સંબંધિત ૧૦,૦૦૦ થી વધુ કોલ્સ આવ્યા છે. વર્ષ ૨૦૧૬ માં આવા કોલ્સની સંખ્યા ૨,૧૯૦ હતી, જે ૨૦૨૫માં ૫ ગણી વધીને ૧૦,૪૨૮ થઈ હતી.
નોંધનીય છે કે ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અને EMRI દ્વારા ચલાવવામાં આવતી આ હેલ્પલાઇને કાર્યરત થયાના ૧૨ વર્ષ પૂર્ણ થયા હતા. EMRI અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાગૃતિમાં વધારો અને સેવાઓના વિસ્તરણને કારણે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કેસી સંખ્યા વધી હોઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ૨૦૨૫ ના વિશ્લેષણ મુજબ, ૬૮% કિસ્સાઓ કાઉન્સિલિંગ અથવા સ્થળ મુલાકાત દ્વારા ઉકેલવામાં આવે છે, જ્યારે ૨૬% કિસ્સાઓમાં પોલીસ અથવા સામાજિક ન્યાય જેવી એજન્સીઓની મદદ લેવાય છે. બાકીના ૬% કોલ્સ ફેક અથવા ટેસ્ટ કોલ્સ હોય છે. માર્ચ ૨૦૧૪ માં શરૂ થયેલી આ હેલ્પલાઇન પર ૨૦૨૩ માં સૌથી વધુ ૨.૧૮ લાખ કોલ્સ આવ્યા હતા. ૨૦૨૫ માં આ સંખ્યા થોડી ઘટીને ૧.૯૮ લાખ (દર કલાકે ૨૨ કોલ્સ) થઈ હતી. ૧૨ વર્ષમાં હેલ્પલાઇન પર કુલ ૧૮ લાખથી વધુ કોલ્સ નોંધાયા છે.
કોલ્સના વિશ્લેષણ મુજબ, ઘરેલું હિસાના કોલ્સનો હિસ્સો ૨૦૧૬ માં ૩૨% (૩૬,૦૦૦ કોલ્સ) હતો, જે ૨૦૨૫ માં વધીને ૪૬% (૯૦,૦૦૦ કોલ્સ) થયો છે. કોવિડ દરમિયાન આ હિસ્સો ૪૯% સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત, પજવણી અને શારીરિક-માનસિક ત્રાસ ૫% થી વધીને ૧૫%, લગ્નેતર મુદ્દાઓ ૨% થી ૫% અને કાનૂની મુદ્દાઓમાં પણ વધારો જોવા મળ્યો છે. જીવનશૈલી અને વધુ પડતા સ્ક્રીન ટાઈમને કારણે સાસુ-વહુ કે માતા-પિતા અને બાળકો વચ્ચેના વિવાદો પણ વધ્યા છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
