<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ગુજરાતના ૪ મહાનગરોમાં હવે ખુલશે ‘નમો સ્વદેશી અર્બન મોલ’: સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોના ઉત્પાદનોને મળશે આંતરરાષ્ટ્રીય સ્તરનું કાયમી બજાર

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આધુનિક મોલ બનાવવા સરકારની ₹૪૫ કરોડની જોગવાઈ; ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી’ અભિયાન હેઠળ શેરી ફેરિયાઓ અને નાના ઉદ્યોગકારોને આર્થિક રીતે સશક્ત બનાવવાનું રાજ્ય સરકારનું અભિનવ આયોજન

ગાંધીનગર: ૧૨ માર્ચ, ૨૦૨૬ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'આત્મનિર્ભર ભારત' અને ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા રાજ્યની ચાર પ્રમુખ મહાનગરપાલિકાઓ—અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક-એક ‘નમો સ્વદેશી અર્બન મોલ’ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ સ્થાનિક કલા-કારીગરીને પ્રોત્સાહન આપી નાના ઉત્પાદકોને વેચાણ માટે કાયમી પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

સ્વદેશી ઉત્પાદકોને મળશે કાયમી સરનામું:
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અમલમાં મુકાનારી આ યોજના અંતર્ગત બનનારા ‘નમો સ્વદેશી અર્બન મોલ’ માત્ર શોપિંગ સેન્ટર નહીં, પરંતુ સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે. અત્યાર સુધી મેળાઓ અને કામચલાઉ પ્રદર્શનો પર નિર્ભર રહેતા કારીગરો, સ્વ-સહાય જૂથોની બહેનો, શેરી ફેરિયાઓ અને નાના ઉદ્યોગકારોને હવે મહાનગરોની મધ્યમાં આધુનિક બજાર વ્યવસ્થા પ્રાપ્ત થશે. આ મોલને કારણે ગ્રાહકોને વિવિધ પ્રકારની સ્વદેશી ચીજવસ્તુઓ એક જ છત નીચેથી મળી રહેશે, જેનાથી શહેરીજનોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે આકર્ષણ અને પ્રોત્સાહન વધશે.

બજેટમાં માતબર જોગવાઈ અને મેળાઓની સફળતા:
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યની ૧૬ મહાનગરપાલિકાઓમાં પ્લાસ્ટિક ફ્રી ‘સ્વદેશી ફેસ્ટિવલ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનોમાં મળેલી વ્યાપક સફળતાને ધ્યાને રાખીને સરકાર હવે તેને કાયમી સ્વરૂપ આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં આ અર્બન મોલના નિર્માણ અને સ્વદેશી મેળાઓના આયોજન માટે કુલ ₹૪૫ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

‘વોકલ ફોર લોકલ’ને નવી ઊંચાઈ મળશે:
આ યોજના દ્વારા ખરીદદારો અને ઉત્પાદકો વચ્ચેનો સીધો સંપર્ક સ્થાપિત થશે, જે વચેટિયાઓની પ્રથા દૂર કરી કારીગરોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર અપાવશે. ‘નમો સ્વદેશી અર્બન મોલ’નો ઉપયોગ માત્ર કાયમી દુકાનો માટે જ નહીં, પરંતુ સમયાંતરે યોજાતા હાટ, પ્રદર્શનો અને વિવિધ સાંસ્કૃતિક મેળાઓ માટે પણ કરવામાં આવશે. સરકારની આ દીર્ઘદ્રષ્ટિવાળી પહેલ સ્થાનિક રોજગારીમાં વધારો કરશે અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વધુ વેગ આપી નાના કારીગરોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે.

(12:12 PM IST)