<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પહોંચી : પરિસર ખાલી કરાવાયું

પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર બિલ્ડિંગમાં ખૂણેખૂણે સઘન સર્ચ ઓપરેશન

અમદાવાદમાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધમકીભર્યા મેસેજને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે.

ધમકી મળતાની સાથે જ અમદાવાદ પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસરમાં પહોંચી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર કોર્ટ પરિસરને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું છે. હાલમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર બિલ્ડિંગમાં ખૂણેખૂણે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ગાડીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી છે. એમ્બ્યુલન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

કોર્ટમાં હાજર વકીલો, અસીલો અને સ્ટાફમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આ ધમકીભર્યો મેસેજ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરી રહી છે

 

(1:06 PM IST)