<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

પતિના અવસાન બાદ દીકરીના ભવિષ્ય માટે બીજા લગ્ન કરવા માંગતી વિધવા યુવતી સાથે છેતરપીંડી: યુવકે રૂપિયા અને આબરૂ લૂંટી લીધા

પતિ શોધતી વિધવા સાથે મેટ્રીમોનિયલ સાઈટ થકી એક યુવકે સંપર્ક કર્યો અને પોતે કરોડપતિ હોવાનું જણાવી લગ્નનો વાયદો કરી રૂપિયા અને દાગીના પડાવ્યા:આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર શારિરીક સંબંધ બાંધ્યા અને અંતે લગ્નનો ઈન્કાર કર્યો

અમદાવાદમાં એક વિધવા યુવતી સાથે ચોંકાવનારો કિસ્સો બન્યો છે, દિકરીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે પતિ શોધતી વિધવા સાથે મેટ્રીમોનિયલ સાઈટ થકી એક યુવકે સંપર્ક કર્યો અને પોતે કરોડપતિ હોવાનું જણાવી લગ્નનો વાયદો કરી યુવતીની દીકરી દત્તક લેવાનું કહ્યું. બાદમાં યુવતીનો ભરોસો જીતીને રૂપિયા અને દાગીના પડાવ્યા. એટલે જ ન અટકીને આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર શારિરીક સંબંધ બાંધ્યા અને અંતે લગ્નનો ઈન્કાર કર્યો. યુવતીએ તેને આપેલા રૂપિયા અને દાગીના માંગતા યુવતીના ફોટો વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. અંતે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 

અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 33 વર્ષીય સ્નેહા (નામ બદલેલ છે) મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્નેહા પોતાની વૃદ્ધ માતા અને 6 વર્ષની દીકરી સાથે રહે છે અને પાર્ટ ટાઈમ શેર બજારનું કામ કરે છે.  વર્ષ 2018માં સ્નેહાએ જયપુરના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે લગ્નગાળા દરમિયાન તેને એક દીકરી થઈ હતી. જોકે વર્ષ 2023માં કુદરતી બીમારીના કારણે સ્નેહાના પતિનું અવસાન થયું હતું અને ત્યારબાદ તે અમદાવાદમાં માતા સાથે રહેતી હતી. 

 

એકાદ વર્ષ પહેલા સ્નેહાએ પોતાનું અને દીકરીનું ભવિષ્ય ધ્યાન રાખીને મેટ્રીમોનીયલ સાઈટ પર લગ્ન માટે પ્રોફાઈલ બનાવી હતી. જે પ્રોફાઈલ જોઈને અમિત ચૌબે નામના યુવકે સ્નેહાનો સંપર્ક કરી લગ્નની ઈચ્છા બતાવી હતી. જે સમયે અમિત ચોબેએ પોતે મુંબઈમાં મોટો વેપારી હોવાનું અને 18 કરોડની મિલકત અને 13 કરોડનુ બેંક બેલેન્સ હોવાનું સ્ટેટમેન્ટ બતાવ્યું હતું, તેમજ તેની નીચે 500 લોકો કામ કરતા હોવાનું કહી સ્નેહા અને તેની દીકરીને સ્વીકારીને તેની સાથે લગ્ન કરી દીકરીને દત્તક લેવાનું કહી તેને સારું ભવિષ્ય આપવાની મીઠી વાતો કરી લગ્નના વાયદાઓ કરતા યુવતીએ તેના પર ભરોસો મૂક્યો હતો. 

 

થોડા સમય બાદ અમિત ચૌબે અમદાવાદમાં સ્નેહાના ઘરે આવ્યો હતો અને નવેમ્બર 2025માં સ્નેહા સાથે લગ્ન કરવાની ઈચ્છા બતાવી હતી. યુવતીની માતાએ અમિત ચૌબેને પરિવાર સાથે મુલાકાત કરાવવાનું કહેતા તેણે પોતાના પિતાએ માતાના નિધન બાદ બીજા લગ્ન કર્યા હોય અને સાવકી માતા અને બહેન હોવાનું કહી પોતાને તેઓની સાથે કોઈ સંબંધ ન હોવાની હકીકત જણાવી હતી. બાદમાં તેણે ખોટી વાતો કરી અને બનાવટી કિસ્સાઓ બનાવીને ત્યારે એક ઈડી અધિકારીઓ દ્વારા તેનું બેંક ખાતુ ફ્રીજ થઈ ગયાનું, તેના પિતાને ગંભીર અકસ્માત થયા હોવાનું અને પિતાને કિડની લીવર ટ્રાન્સલેટ કરાવવાનું કહીને સ્નેહા પાસેથી માતબર રકમ મેળવી હતી. સ્નેહાનો ભરોસો જીતવા માટે તેણે ઇન્દોર, ભોપાલ તેમજ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના તેના નામના ચેકો બતાવ્યા હતા અને જે ચેક થોડા મહિનામાં ક્લિયર થઈ જશે એટલે રૂપિયા પરત આપી દેશે તેવી બાંહેધરી આપી હતી.

 

થોડાક સમય બાદ અમિત ચૌબે અમદાવાદ આવ્યો હતો અને સોલા ખાતે હોટલમાં રૂમ બુક કરાવી સ્નેહાને મળવા બોલાવી શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું હતું. સ્નેહાએ ઇનકાર કરતા અમિત ચૌબેએ આપણાં લગ્ન થવાના છે અને પોતે કુવારો હોવા છતાં વિધવા સ્નેહા સાથે લગ્ન કરી અને તેની દીકરીને દત્તક લઈને સારું ભવિષ્ય આપવાની વાત કરી હતી. જો ભરોસો ન હોય તો લગ્ન કરવાનું શું મતલબ, તેવું કહીને લાગણીશીલ કરી સ્નેહા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમા અમદાવાદના અન્ય ક્લબ ખાતે રૂમ બુક કરાવી હતી અને ત્યાં પણ સ્નેહા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેણે વૈષ્ણોદેવી અને કાશ્મીર તેમજ આબુ અને ઉદયપુર અને ઇન્દોર જેવી જગ્યા ઉપર ફરવા જવાનું કહીને સ્નેહા પાસે ટિકિટો અને હોટલોના પૈસા ખર્ચ કરાવ્યા હતા અને તે સ્થળો ઉપર પણ સ્નેહા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. વધુમાં તે વારંવાર અમદાવાદ આવતો હતો અને સ્નેહા ઘરે રોકાતો હતો ત્યારે પણ સ્નેહા ખોટા વાયદાઓ આપી તેની સાથે સંબંધો બાંધતો હતો. 

 

ફેબ્રુઆરી 2025થી નવેમ્બર 2025 સુધીના સમયગાળામાં અમિત ચૌબેએ સ્નેહા પાસેથી ફ્લાઇટની ટિકિટો હોસ્પિટલના ખર્ચા તો ક્યારેક લેપટોપ મોબાઈલ અને હપ્તાના રૂપિયા ભરવા માટે અને ખોટા ખર્ચા બતાવીને લાખો રૂપિયા મેળવી લીધા હતા અને સ્નેહાનું એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી તેમજ તેની સોનાની ચેન અને વીંટી મેળવીને પોતાની બહેનને આઇપેડ લેવડાવી કુલ 47 લાખ જેટલી રકમ મેળવી લીધી હતી. 

 

અમિત ચૌબે અવારનવાર લગ્ન બાબતે ખોટી વાતો કરતો હોવાથી સ્નેહાને શંકા જતા તેણે અમિતના બનેવીનો સંપર્ક કરી અમિતનાં પરિવાર વિશે માહિતી મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાબતની અમિતને જાણ થતા તેણે પરિવારનો સંપર્ક કરીશ તો લગ્ન રદ કરી દઈશ તેવી ધમકી આપી હતી. જે બાદ અમિતે સ્નેહાને નવા વર્ષમાં ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે ઇન્દોર બોલાવી હતી અને તેના ઈડીના કેસ ટૂંક સમયમાં પતી જશે અને પછી લગ્નની ખરીદી કરીને ફેબ્રુઆરીમાં લગ્ન કરી લેવાનું જણાવ્યું હતું અને મંદિરે દર્શન કર્યા બાદ સ્નેહા સાથે હોટલમાં બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા જે સમયે પણ સ્નેહાએ અમિતને તેના પિતા સાથે મુલાકાત કરવાનું કહેતા તેણે તેને લાફા માર્યા હતા અને બાદમાં ફોન પર પોતાના પિતા સાથે વાત કરાવી હતી.

જે બાદ સ્નેહા અમદાવાદ પરત આવતા તેણે અમિતને લગ્ન બાબતે પૂછતા અમિતે સ્નેહાએ તેનાં પિતા સાથે વાત કરી અને બનેવી સાથે વાત કરી હતી, જેથી તે હવે સ્નેહા સાથે લગ્ન નહીં કરે તેવું કહેતા સ્નેહાએ તેને આપેલા રોકડ રૂપિયા અને દાગીના પરત માંગતા તે ઉશ્કેરાયો હતો અને ધમકીઓ આપી સ્નેહાના ફોટો અને વિડિયો પોતાની પાસે હોય તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી સમાજમાં બદનામી કરી નાખવાની ધમકીઓ આપી હતી. જે અંગે સ્નેહાએ તેની માતાને જાણ કરતા અંતે આ સમગ્ર મામલે તેના સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને છેતરપિંડીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. સોલા પોલીસે અમિત નવીન ચૌબે નામના મધ્યપ્રદેશના યુવક સામે છેતરપીંડી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

 

(1:53 PM IST)