<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

પાટણના નીલમ સિનેમા વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથો વચ્ચે થયેલા ઝઘડામાં ધોળા દિવસે બે રાઉન્ડ ફાયરિંગ : 50 વર્ષીય પશુ વેપારી યુસુફ ખાનની હત્યા

ઘટના બાદ LCB અને SOG સહિતનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો : ફરાર આરોપીઓની શોધખોળ : ભરબજારમાં અચાનક થયેલા ગોળીબારને કારણે લોકોમાં ભયનો માહોલ

પાટણ તા.૧૨: શહેરના હાર્દ સમાન નીલમ સિનેમા વિસ્તારમાં આજે ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભરબજારમાં અચાનક થયેલા ગોળીબારને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસની જેમ બજારમાં લોકોની અવરજવર ચાલુ હતી, ત્યારે અચાનક બે રાઉન્ડ ફાયરિંગ થતા આસપાસના વેપારીઓ અને રાહદારીઓ સ્તબ્ધ થઈ ગયા છે.  હાલ આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જૂની અદાવત બની લોહિયાળ

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના પાછળ એક જ સમાજના બે જૂથો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે આ બંને જૂથો વચ્ચે માત્ર બે દિવસ પહેલા જ સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ અદાવતની આગ આજે એટલી પ્રજ્વલિત થઈ કે ધોળા દિવસે હથિયારો નીકળ્યા અને એક વ્યક્તિનો ભોગ લેવાયો.

 પશુ વેપારી યુસુફ ખાનનું કરુણ મોત

આ ગોળીબારમાં 50 વર્ષીય યુસુફ ખાન ચાંદખાન  નામના પ્રોઢનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુસુફ ખાન મુખ્યત્વે ભેંસોના વેપાર સાથે સંકળાયેલા હતા. હુમલાખોરોએ તેમને નિશાન બનાવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે મોત થયું છે. ઘટના બાદ તાત્કાલિક અસરથી મૃતદેહને પોસ્ટમોર્ટમ  અર્થે પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાસ્થળે પોલીસનો કાફલો અને લોકોના ટોળા

ફાયરિંગની જાણ થતા જ પાટણ એ ડિવિઝન (A-Division), એસ.ઓ.જી. (SOG) અને એલ.સી.બી. (LCB) સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. બજારમાં થયેલી આ હત્યાને પગલે લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા છે, જેને નિયંત્રિત કરવા માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપીઓને પકડવા પોલીસની કવાયત

શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ફાયરિંગ કરીને ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને શહેરના એક્ઝિટ પોઈન્ટ્સ પર નાકાબંધી કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(4:19 PM IST)