News of Thursday, 12th March 2026
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો દક્ષિણ ગુજરાતનો ત્રિ-દિવસીય પ્રવાસ: વલસાડ, ડાંગ અને સુરત જિલ્લામાં કાર્યકર્તાઓ સાથે બેઠકોનો ધમધમાટ
૧૩ માર્ચથી શરૂ થતા પ્રવાસમાં બુથ સમિતિ સંમેલનો અને સંગઠનલક્ષી બેઠકોનું આયોજન; ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશનની મુલાકાત અને સુરતમાં હનુમાન મંદિર નિર્માણ યજ્ઞના દાતાઓનો સન્માન સમારોહ યોજાશે

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આગામી ૧૩ માર્ચ, ૨૦૨૬ શુક્રવારથી ૧૫ માર્ચ, ૨૦૨૬ રવિવાર સુધી દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓના ત્રિ-દિવસીય પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ વલસાડ, ડાંગ અને સુરત જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો અને બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે વિવિધ બેઠકો અને સંમેલનોમાં સહભાગી થશે.
૧૩ અને ૧૪ માર્ચ - વલસાડ અને ડાંગ જિલ્લાના કાર્યક્રમો:
પ્રદેશ અધ્યક્ષના પ્રવાસનો પ્રારંભ ૧૩ માર્ચના રોજ સાંજે ૦૬:૩૦ કલાકે કિલ્લા પારડી ખાતે વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ સાથેની બેઠકથી થશે. ત્યારબાદ ૧૪ માર્ચના રોજ સવારે ૦૯:૦૦ કલાકે તેઓ ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશનના દર્શન અને મુલાકાત લેશે. સવારે ૧૦:૦૦ કલાકે ધરમપુર વિધાનસભાના બુથ સમિતિ કાર્યકર્તા સંમેલનને સંબોધશે. બપોર બાદ તેઓ ડાંગ જિલ્લામાં આહવા ખાતે ૨:૩૦ કલાકે વિધાનસભા બુથ સમિતિ સંમેલન અને ૩:૪૫ કલાકે જિલ્લાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.
૧૫ માર્ચ - સુરત જિલ્લાના કાર્યક્રમો અને સન્માન સમારોહ:
પ્રવાસના અંતિમ દિવસે ૧૫ માર્ચના રોજ સવારે ૦૯:૩૦ કલાકે સુરતના મહુવા ખાતે જિલ્લા કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાશે. ત્યારબાદ સવારે ૧૦:૩૦ કલાકે મહુવા વિધાનસભાનું બુથ સમિતિ સંમેલન અને બપોરે ૧૨:૦૦ કલાકે વિધાનસભાના આગેવાનો સાથે બેઠક યોજવાનું આયોજન છે. પ્રવાસના અંતે સાંજે ૦૬:૦૦ કલાકે સુરતના આઉટર રિંગ રોડ, વરીયાવ (ન્યુ કતારગામ) ખાતે હનુમાન મંદિર નિર્માણ યજ્ઞના સહયોગી દાતાઓના સન્માન સમારોહમાં જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર પ્રવાસ કાર્યક્રમની વિગતો ભાજપા ગુજરાતના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જાહેર કરવામાં આવી છે. આ પ્રવાસ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પક્ષના સંગઠનને વધુ વેગવંતું બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
