<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

રાજ્ય સરકારે રૂ. ૩૫ હજાર કરોડ કરતા વધુનું ઐતિહાસિક બજેટ ફાળવી આદિજાતિ ઉત્કર્ષ માટે કર્યું વિશેષ કાર્ય: આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રથમ તબક્કે ૧૫ આદિજાતિ તાલુકાઓમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અદ્યતન ‘બિરસા મુંડા લાયબ્રેરી’ બનાવાશે:આશ્રમશાળા-છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓના નિભાવ ભથ્થામાં રૂ. ૨,૧૬૦થી વધારો કરી રૂ. ૨,૫૦૦ કરાયો: દૂધ સંજીવની યોજના થકી ૧૦ લાખ બાળકોને પોષણક્ષમ ફ્લેવર્ડ દૂધ આપવા માટે રૂ. ૨૦૦ કરોડની ફાળવણી: વર્ષ ૨૦૨૬-૨૭ માટે આદિજાતિ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર

ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ છેવાડાના આદિવાસી માનવી સુધી દરેક સુવિધાઓ પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહ્યા છે, જે માટે કેન્દ્ર સરકાર અનેક મહત્વની યોજનાઓનું સફળતાપૂર્વક અમલીકરણ કરી રહી છે. વડાપ્રધાનએ જનજાતિ કલ્યાણ યોજના થકી આદિવાસીઓના ઉત્કર્ષ માટે આગામી પાંચ વર્ષમાં રૂ. ૨ લાખ કરોડના પેકેજની જાહેરાત પણ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારે આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. ૩૫,૭૮૨ કરોડનું ઐતિહાસિક બજેટ ફાળવીને આદિજાતિ ઉત્કર્ષ માટે ખૂબ મોટું કાર્ય કર્યું છે, તેમ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
આદિજાતિ મંત્રીએ કહ્યું હતું કે, જયારે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયુ ત્યારે વર્ષ ૧૯૬૧માં આદિજાતિ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગનું સંયુક્ત બજેટ માત્ર રૂ. ૫૮ કરોડનું હતું. ભૂતકાળના ૩૫ થી ૪૦ વર્ષના સાશનમાં માત્ર ૬ થી ૬.૫ હજાર કરોડ રૂપિયા ખર્ચાયા હતા. પરંતુ વર્ષ ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન મોદીએ સમગ્ર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧૫ હજાર કરોડના પેકેજની જાહેરાત કરી આદિજાતિ સમાજ માટે એક નવો અધ્યાય શરૂ કર્યો હતો.
ગુજરાત સરકારના વિવિધ ૨૫ જેટલા સરકારી વિભાગો દ્વારા આદિજાતિ વિસ્તારોમાં થનારા કામોની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ બજેટ અંતર્ગત ઉમરગામથી અંબાજી સુધી આદિજાતિ વિસ્તારોમાં રોડ-રસ્તાના નેટવર્ક માટે રૂ. ૬,૫૭૯ કરોડ, આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ માટે રૂ. ૫,૪૨૫ કરોડ, સિંચાઈ અને પાણી પુરવઠા માટે રૂ. ૩,૩૦૯, શિક્ષણ માટે રૂ. ૩,૦૯૦ કરોડ, શહેરોમાં વસતા આદિવાસીઓની સુવિધા માટે રૂ. ૨,૯૪૫ કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. ૨,૮૩૨ કરોડ, કૃષિ અને સહકાર માટે રૂ. ૨,૬૨૮ કરોડ સહિતનો ખર્ચ કરવામાં આવશે. 
જમીન અને વનાધિકાર વિશે જણાવતા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે વનાધિકાર અધિનિયમ હેઠળ પારદર્શક કામગીરી કરી છે. અત્યાર સુધીમાં ૯૮,૯૩૫ વ્યક્તિગત દાવાઓ મંજૂર કરી ૬૮,૬૫૧ હેક્ટર જમીન આપવામાં આવી છે. આ ઉપરાંત ૩,૮૭૯ સામુદાયીક દાવાઓ મંજૂર કરીને કુલ ૫,૮૧,૨૮૪ હેક્ટર જમીન આદિવાસી ભાઈ-બહેનોને આપવામાં આવી છે. આમ, જે જમીન ખેડે છે અને જેનો હક છે તેને તેનો હક આપવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
આદિજાતિ મંત્રીએ શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ બજેટનો સિંહફાળો આદિવાસી બાળકોના શિક્ષણ અને ભવિષ્ય માટે ખર્ચવામાં આવશે. કન્યા કેળવણી અંતર્ગત આદિવાસી દીકરીઓના પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકાર વિશેષ ચિંતા કરે છે. આદિવાસી વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધારીને રૂ. ૬ લાખ કરવામાં આવી છે, જેથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે. આ ઉપરાંત રાજ્ય સરકાર અનુદાનિત ઈ.એમ.આર.એસ, સૈનિક શાળા, મોડેલ શાળા અને જી.એલ.આર.એસ. શાળાના વિદ્યાર્થીને વાર્ષિક રૂ. ૭૦ હજારમાં રૂ. ૧૦ હજારનો વધારો કરીને રૂ. ૮૦ હજાર કરવા નવી બાબતમાં રૂ. ૨૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વધુમાં, ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમશાળાઓ અને છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓના નિભાવ ભથ્થામાં રૂ. ૨,૧૬૦થી વધારો કરી રૂ. ૨,૫૦૦ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત UPSC, GPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રથમ તબક્કે ૧૫ તાલુકાઓમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અદ્યતન ‘બિરસા મુંડા લાયબ્રેરીઓ’ બનાવવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણી અને ખેતી માટે કરોડો રૂપિયાના ખર્ચે ઉંચાઈ પર પાણી પહોંચાડવાની યોજનાઓ કાર્યરત છે. જે અંતર્ગત રાજ્ય સરકારે ઉદવહન સિંચાઇ યોજના માટે રૂ. ૪૮૫ કરોડ, ડાંગ જિલ્લામાં રૂ. ૧૫૦ કરોડ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અંદાજે રૂ. ૫,૪૦૦ કરોડ સહિતની જોગવાઈઓ કરવામાં આવી છે. જેના પરિણામે આદિવાસી વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે અને આદિવાસી ભાઇ-બહેનોનું રોજગારી અર્થે થતું સ્થળાંતર અટકશે.
મંત્રી પટેલે પોષણ અને આરોગ્ય વિશે વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના થકી ૧૦ લાખ બાળકોને પોષણક્ષમ ફ્લેવર્ડ દૂધ આપવા માટે રૂ. ૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના પરિણામે બાળકો વધુ સશક્ત બનીને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશે. 
સમગ્ર આદિજાતિ સમુદાયના સશક્તીકરણ ઉપર ભાર મૂકતા મંત્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે આદિજાતિ બાળકોથી માંડીને યુવાઓ, મહિલાઓ અને ખેડૂતો માટે અનેકવિધ યોજનો થકી વિશેષ કાળજી રાખી છે. આમ, આ બજેટ આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવી વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને પરિપૂર્ણ કરવામાં મહત્વનું સાબિત થશે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિધાનસભામાં આજે આદિજાતિ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરાઈ હતી.

(7:13 PM IST)