તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 12th March 2026
અનૈતિક સંબંધોમાં નડતરરૂપ માતાની હત્યા કરી લાશ પોટલામાં બાંધી બાંધી ફેંકી દીધી : સુરતના અમરોલીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
અનૈતિક સંબંધોમાં નડતરરૂપ બનતી માતાની તેના જ પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનું બહાર આવતાં ખળભળાટ:પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી

સુરતના અમરોલી વિસ્તારની કોસાડ આવાસ યોજનામાં થયેલી વૃદ્ધાની હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. અનૈતિક સંબંધોમાં નડતરરૂપ બનતી માતાની તેના જ પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. CCTV ફૂટેજ અને ઘરમાં મળેલી શંકાસ્પદ દોરીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી કોસાડ આવાસ યોજનામાં 11 માર્ચે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. સવારે જ્યારે સફાઈ કર્મચારીઓ વિસ્તારમાં સફાઈ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક શંકાસ્પદ પોટલું મળી આવ્યું હતું. આ પોટલું ખોલીને તપાસ કરતા અંદરથી એક મહિલાનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ 57 વર્ષીય હમીદા ખાતુન તરીકે થઈ હતી. નવાઈની વાત એ હતી કે, હમીદા ખાતુન ગુમ થયા હોવાની અરજી તેમના જ પુત્ર મોહંમદ પરવેઝ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જોકે, પોલીસને પરિવારના સભ્યોની વર્તણૂક પર શરૂઆતથી જ શંકા હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જે દોરીથી મહિલાના હાથ-પગ બાંધવામાં આવ્યા હતા, તેવી જ દોરી તેના પુત્રના ઘરમાંથી પણ મળી આવી હતી. આ પુરાવાએ પોલીસની શંકાને મજબૂત કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે વિસ્તારના CCTV ફૂટેજ તપાસતા એક મહત્વની કડી હાથ લાગી હતી. ફૂટેજમાં મોહંમદ પરવેઝ જ એક કોથળામાં લાશ લઈને જતો જોવા મળ્યો હતો. આ ટેકનિકલ પુરાવા બાદ પોલીસે હમીદા ખાતુનના બંને દીકરાઓની કડક પૂછપરછ શરૂ કરી હતી. સતત પૂછપરછના અંતે મોહંમદ પરવેઝ ભાંગી પડ્યો હતો અને પોતાની માતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
