News of Thursday, 12th March 2026
રાજ્યના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોના સુપરવિઝન માળખામાં મોટો ફેરફાર: હવે જે-તે રેન્જના સાયબર પોલીસ સ્ટેશનની દેખરેખની સીધી જવાબદારી સંબંધિત જિલ્લા પોલીસ અધિક્ષકોને સોંપાઈ
ગૃહ વિભાગના જાહેરનામા બાદ પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીર દ્વારા હુકમ જાહેર: વહીવટી સુગમતા અને સાયબર ગુનાઓની તપાસમાં વધુ અસરકારકતા લાવવા અમદાવાદ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય અને રાજકોટ ગ્રામ્ય સહિત 9 જિલ્લાના પોલીસ વડાઓને સોંપાયું મહત્વનું સુપરવિઝન

રાજકોટ:ગુજરાત રાજ્યમાં સાયબર ગુનાખોરી ડામવા અને તપાસ પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવાના હેતુથી પોલીસ તંત્રમાં મહત્વના વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ મહાનિરીક્ષક (વહિવટ) ગગનદીપ ગંભીર દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુકમ મુજબ, હવે વિવિધ રેન્જ હસ્તકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોનું સુપરવિઝન જે-તે જિલ્લાના પોલીસ અધિક્ષકોને સોંપવામાં આવ્યું છે. આ નિર્ણય વહીવટી સુગમતા અને સાયબર ગુનાઓની તપાસમાં વધુ અસરકારકતા લાવવાના આશયથી લેવામાં આવ્યો છે.
ગૃહ વિભાગનું જાહેરનામું અને નવા નિયમો:
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ગત તારીખ 14 મે, 2025ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાં ક્રમાંક GG/74/PST/102020/307/C અન્વયે આ કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 2ની પેટા-કલમ (1) ના ખંડ (u) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, રાજ્યપાલના આદેશથી ડેપ્યુટી સેક્રેટરી અનિતા ઝુલા દ્વારા આ સૂચનાઓ જારી કરાઈ હતી. જે મુજબ નિર્દિષ્ટ જિલ્લાના પોલીસ અધિક્ષકોની કચેરીઓને તેમના કાર્યક્ષેત્ર માટે 'સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન' તરીકે જાહેર કરવામાં આવી છે.
કયા રેન્જ અને કયા પોલીસ અધિક્ષકોને જવાબદારી મળી?
નવા હુકમ મુજબ, નીચે દર્શાવેલ રેન્જ કચેરીઓ હેઠળના સાયબર પોલીસ સ્ટેશનનું સુપરવિઝન હવે જે-તે જિલ્લાના પોલીસ અધિક્ષક સંભાળશે:
* અમદાવાદ રેન્જ: પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય
* સુરત રેન્જ: પોલીસ અધિક્ષક, સુરત ગ્રામ્ય
* વડોદરા રેન્જ: પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય
* રાજકોટ રેન્જ: પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય
* બોર્ડર રેન્જ: પોલીસ અધિક્ષક, કચ્છ-ભુજ (પશ્ચિમ)
* જુનાગઢ રેન્જ: પોલીસ અધિક્ષક, જુનાગઢ
* ભાવનગર રેન્જ: પોલીસ અધિક્ષક, ભાવનગર
* ગાંધીનગર રેન્જ: પોલીસ અધિક્ષક, ગાંધીનગર
* પંચમહાલ-ગોધરા રેન્જ: પોલીસ અધિક્ષક, પંચમહાલ-ગોધરા
તાત્કાલિક અમલીકરણના આદેશ
પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીરના હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સુપરવિઝન અંગેની આ કામગીરી તાત્કાલિક અસરથી સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષકોને સુપરત કરવાની રહેશે અને તે અંગેની જાણ મુખ્ય કચેરીને કરવાની રહેશે. આ હુકમ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DG) અને હેડ ઓફ પોલીસ ફોર્સ (HoPF) ની મંજૂરીથી જારી કરવામાં આવ્યો છે.
આ નવા માળખાથી સ્થાનિક સ્તરે સાયબર ગુનાઓના ઉકેલમાં ગતિ આવશે અને દેખરેખની પ્રક્રિયા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ અંગેની નકલ સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝના પોલીસ મહાનિદેશકને પણ રવાના કરવામાં આવી છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
