News of Friday, 13th March 2026
ઈરાન યુદ્ધની સ્થિતિને કારણે ઊંઝાના વેપારીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા: કરોડોના કન્ટેનરો રસ્તામાં અટવાયા
લગભગ 200 થી 250 જેટલા નિકાસી કન્ટેનરો રસ્તામાં અટવાઈ જવાથી અંદાજે 200 થી 300 કરોડ રૂપિયાનું પેમેન્ટ ફસાઈ ગયું:શિપિંગ ભાડામાં થયેલા અધધ વધારા અને વીમા કંપનીઓની અનિચ્છાને કારણે મસાલાની નિકાસ હાલ અશક્ય બની

અમદાવાદ :અમેરિકા- ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે ઉત્તર ગુજરાતના વેપાર જગત પર જોવા મળી રહી છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે ઓળખાતા ઊંઝાના સેંકડો વેપારીઓના કરોડો રૂપિયા હાલ આંતરરાષ્ટ્રીય જળસીમામાં અટવાયા છે. જીરું, વરિયાળી અને ઇસબગુલની નિકાસ માટે જાણીતા આ કેન્દ્રના વેપારીઓ અત્યારે બેવડી માર સહન કરી રહ્યા છે.
યુદ્ધને કારણે દરિયાઈ માર્ગો પર સર્જાયેલી અસ્થિરતાને લીધે ઊંઝાથી રવાના થયેલા અંદાજે 200 થી 250 જેટલા કન્ટેનરો વચ્ચે અટકી પડ્યા છે. આ કન્ટેનરોમાં રહેલો કિંમતી માલ નિર્ધારિત સ્થળે પહોંચી શક્યો નથી. વેપારીઓના મતે, આ અટવાયેલા માલની કિંમત અંદાજે 200 થી 300 કરોડ જેટલી થવા જાય છે. માલ સમયસર ન પહોંચતા વેપારીઓના પેમેન્ટ અટકી ગયા છે, જેના કારણે બજારમાં લિક્વિડિટીની સમસ્યા સર્જાઈ છે.
સ્થાનિક વેપારી અગ્રણી દિનેશ પટેલના જણાવ્યા અનુસાર, શિપિંગ લાઇનના ભાડામાં થયેલો વધારો વેપારીઓની કમર તોડી રહ્યો છે. જે રૂટનું ભાડું અગાઉ 1500 ડોલર હતું, તે યુદ્ધની સ્થિતિને કારણે વધીને અત્યારે 4500 થી 5000 ડોલર સુધી પહોંચી ગયું છે. આમ, નૂર ખર્ચમાં ત્રણ ગણાથી પણ વધુ વધારો થતા નિકાસકારો માટે વેપાર કરવો આર્થિક રીતે પોસાય તેમ નથી.
દિનેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલની અસુરક્ષિત પરિસ્થિતિને જોતા કોઈ પણ વીમા કંપની શિપિંગ લાઇન માટે વીમો લેવા તૈયાર નથી. યુદ્ધગ્રસ્ત વિસ્તારો કે તેની આસપાસના દરિયાઈ માર્ગો પર જોખમ વધુ હોવાથી વીમા કવચ મળતું બંધ થયું છે. વીમા વગર આટલી મોટી રકમનો માલ જોખમમાં મૂકવો કોઈપણ વેપારી માટે શક્ય નથી, જેના કારણે નવી નિકાસ હાલ સંપૂર્ણપણે અશક્ય બની રહી છે.
નિકાસ અટકી પડવાને કારણે ઊંઝાના સ્થાનિક બજારમાં પણ તેની અસરો વર્તાવા લાગી છે. જો આગામી દિવસોમાં યુદ્ધની સ્થિતિમાં સુધારો નહીં આવે, તો ઊંઝાના મસાલા ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન વેઠવાની ભીતિ સેવાઈ રહી છે.
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ ની સીધી અને ગંભીર અસર હવે ઉત્તર ગુજરાતના વેપાર જગત પર જોવા મળી રહી છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે ઓળખાતા ઊંઝા સેંકડો વેપારીઓના કરોડો રૂપિયા હાલ આંતરરાષ્ટ્રીય જળસીમામાં અટવાયા છે. જીરું, વરિયાળી અને ઇસબગુલની નિકાસ માટે જાણીતા આ કેન્દ્રના વેપારીઓ અત્યારે બેવડી માર સહન કરી રહ્યા છે
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
