News of Friday, 13th March 2026
સુરત VNSGUમાં બેઠકોના તોતિંગ ઘટાડાએ વિદ્યાર્થીઓમા આક્રોશ ફેલાવ્યો :ABVPનો વિરોધ:48 કલાકનું અલ્ટીમેટમ
યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વિવિધ માસ્ટર કોર્સમાં સરકારી બેઠકોમાં અચાનક કરાયેલ ઘટાડાના અન્યાયી નિર્ણય સામે ABVPએ બાંયો ચઢાવી :શિક્ષણના ખાનગીકરણ સામે ઉગ્ર આંદોલનના મંડાણ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વિવિધ ફેકલ્ટીના વિષયોમાં સરકારી બેઠકોમાં સીધો 50% થી વધુનો ઘટાડો કરવામાં આવતા વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ABVP ના આક્ષેપ મુજબ, યુનિવર્સિટીએ કુલ 14 જેટલા વિષયોમાં સરકારી બેઠકો ઘટાડી દીધી છે. આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને મળતું સસ્તું શિક્ષણ છીનવાઈ જશે.
અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સોશિયોલોજી અને ઇકોનોમિક્સ જેવા મુખ્ય વિષયોમાં અગાઉ 63 બેઠકો હતી, જે હવે ઘટાડીને માત્ર 30 કરી દેવામાં આવી છે.
જે વિષયોમાં સરકારી બેઠક પર અંદાજે 3,000 જેટલી ફી હતી, તે બેઠકો ઘટતા વિદ્યાર્થીઓને સેલ્ફ-ફાઈનાન્સ ધોરણે 15,000 થી 20,000 સુધીની ફી ચૂકવવી પડશે.
યુનિવર્સિટી ખાતે થયેલા આ વિરોધ પ્રદર્શનમાં ABVP ના સભ્યોએ સ્પષ્ટ માંગ કરી છે કે જાહેર કરવામાં આવેલો પરિપત્ર તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. ABVPએ તમામ 14 વિષયોમાં અગાઉની સરકારી બેઠકો યથાવત રાખવાના માંગ સાથે આગામી 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો નિર્ણય પરત નહીં ખેંચાય, તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
ABVP ના મહામંત્રી અને પ્રવક્તા મનોજ તિવારી તેમજ સભ્ય શુભમ રાજપૂતે જણાવ્યું હતું કે, સરકારી બેઠકો ઘટાડવાના આ નિર્ણયથી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડશે. યુનિવર્સિટી પ્રશાસન ખાનગીકરણ તરફ વળી રહ્યું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી નેતાઓએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
