<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સંવિધાનનું અપમાન કોંગ્રેસે કર્યું, જ્યારે ભાજપે હાથીની અંબાડી પર 'સંવિધાન યાત્રા' કાઢી: જગદીશ વિશ્વકર્મા

ભાજપ શાસનમાં 50% થી વધુ ઘરના ઘર અનુસૂચિત જન જાતિને મળ્યા છે. મફત અનાજ અને આયુષ્માન કાર્ડનો લાભ સીધો આ સમાજને મળ્યો : પ્રદેશ ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગાંધીનગર ખાતે "ઋણ સ્વીકાર - આભારદર્શન" કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર :રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયોને વધાવવા માટે ગુજરાત પ્રદેશ ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગાંધીનગર ખાતે "ઋણ સ્વીકાર - આભારદર્શન" કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

 

શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેની આવક મર્યાદા રુ. 2.5 લાખથી વધારીને રુ. 6 લાખ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને આ કાર્યક્રમમાં બિરદાવવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

 

મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં સમાજના સર્વાંગી વિકાસ અને શિક્ષણ પર ભાર મૂકતા નીચે મુજબના મુદ્દાઓ જણાવ્યા હતા:

વિકાસનો મંત્ર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'વિકાસમાં કોઈ પાછળ ન રહે' તે મંત્ર સાથે સરકાર આગળ વધી રહી છે. છેવાડાના માનવીને સુવિધાઓ આપવી એ અમારી પ્રાથમિકતા છે.

સંતોનું પ્રદાન: અનુસૂચિત સમાજના વિકાસ માટે સદીઓ પહેલા વીર મેઘમાયા અને સેવૈયાનાથ જેવા અનેક સંતોએ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

શૈક્ષણિક નિર્ણયો: વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્કોલરશીપની આવક મર્યાદા રુ. 2.5 લાખથી વધારીને રુ. 6 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ માટે રુ. 62 કરોડની લોન પણ આપવામાં આવી છે.

પીએચડી ફેલોશિપ: PHD કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ફેલોશિપ યોજના શરૂ કરી રોજગાર અને આત્મનિર્ભરતા પર ફોકસ કરવામાં આવ્યું છે.

સરકારી યોજનાઓ: પીએમ આવાસ યોજના અને આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓમાં અનુસૂચિત જાતિને અગ્રતા આપવામાં આવી છે.

 

પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા અને ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા જણાવ્યું હતું કે:

કોંગ્રેસની ટીકા: કોંગ્રેસે હંમેશા જાતિવાદની રાજનીતિ કરી છે. બાબા સાહેબ આંબેડકરને ચૂંટણીમાં હરાવવાનું અને તેમને 'ભારત રત્ન' ન આપવાનું કામ કોંગ્રેસે કર્યું હતું.

સંવિધાનનું સન્માન: સંવિધાનનું અપમાન કોંગ્રેસે કર્યું છે, જ્યારે ભાજપે હાથીની અંબાડી પર 'સંવિધાન યાત્રા' કાઢી બાબા સાહેબને સાચું માન-સન્માન અપાવ્યું છે.

આર્થિક ઉત્થાન:  ભાજપ શાસનમાં 50% થી વધુ ઘરના ઘર અનુસૂચિત જન જાતિને મળ્યા છે. મફત અનાજ અને આયુષ્માન કાર્ડનો લાભ સીધો આ સમાજને મળ્યો છે.

ભવિષ્યનું આયોજન: આગામી 10 દિવસમાં આવક મર્યાદા વધારાના આ નિર્ણયને ગામડે-ગામડે પહોંચાડવામાં આવશે. આખા રાજ્યમાં 55 જેટલા મોટા કાર્યક્રમો અને ગ્રામ્ય સ્તરે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ દ્વારા ભાજપે આગામી દિવસોમાં છેવાડાના ગામડાઓ સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

  

(1:48 PM IST)