<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ગુજરાત બનશે ગ્રીન સ્‍ટેટ PPP મોડેલ દ્વારા વનીકરણના નવા અધ્‍યાયનો પ્રારંભ

(અશ્વિન વ્‍યાસ દ્વારા)ગાંધીનગર ગુજરાત વિધાનસભાના નિયમ-૪૪ હેઠળ વન મંત્રીશ્રી દ્વારા એક મહત્‍વપૂર્ણ નિવેદન કરવામાં આવ્‍યું છે. રાજયમાં ઝડપી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ વચ્‍ચે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે સરકાર હવે ખાનગી ક્ષેત્ર અને સ્‍થાનિક સમુદાયોના સહયોગથી ‘ગીન કવર' વધારવા પર ભાર મૂકશે.

 રાજય સરકાર હવે લોકભાગીદારી (Public Private Partnership) દ્વારા વૃક્ષ આચ્‍છાદન વધારવા કટિબદ્ધ છે. આ મોડેલ દ્વારા નાણાકીયસ્ત્રોતો, આધુનિક ટેકનિકલ કુશળતા અને વ્‍યવસ્‍થાપન ક્ષમતાનો અસરકારક ઉપયોગ કરવામાં આવશે. જેનાથી રાજયની પર્યાવરણલક્ષી યોજનાઓ વધુ કાર્યક્ષમ, પારદર્શક અને લાંબા ગાળા સુધી ટકાઉ બની રહેશે.  વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ' અભિયાનને હવે જનઆંદોલનનું સ્‍વરૂપ આપવામાં આવ્‍યું છે. ગ્રામ્‍ય અને શહેરી સ્‍તરે જનજાગૃતિ દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્‍યે જવાબદારીની ભાવના જાગી છે. સરકાર અને જનતાના સંયુક્‍ત અભિગમથી રાજયના સંતુલિત વિકાસ માટે વનીકરણની કામગીરીમાં વેગ આવશે.

‘વિજન-૨૦૪૭'ને ધ્‍યાને રાખી વન વિભાગ દ્વારા વન વિસ્‍તારની બહાર પણ મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની પહેલથી સોમનાથ-પોરબંદર-દ્વારકા નેશનલ હાઈવે-૫૧ ની આસપાસ અત્‍યાર સુધીમાં ૪૦ હજારથી વધુ મોટા રોપાઓનું સફળ વાવેતર કરી ‘હરીત વનપથ' મોડેલ સાકાર કરવામાં આવ્‍યું છે.  હવે રાજયના ગ્રામ્‍ય વિસ્‍તારોની ગૌચર જમીન, પડતર જમીન અને બિનઉપયોગી વિસ્‍તારોમાં સુવ્‍યવસ્‍થિત આયોજન કરવામાં આવશે. અમૃત સરોવરની પાળે દેશી પ્રજાતિના વૃક્ષોની સાથે ‘મીયાવાકી' પદ્ધતિથી ‘વન કવચ' વિકસાવવામાં આવશે. આ નિર્ણયથી ગુજરાતમાં ગ્રીન કવર વધારવાના લક્ષ્યાંકને નવી ઊંચાઈ મળશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કરાયો છે.

(4:05 PM IST)